મુંબઈઃ ફિલ્મ અભિનેતા અને બિગ બોસના કન્ટેસ્ટંટ રહી ચુકેલા એજાઝ ખાને કથિત રીતે ફેસબુક પર આપત્તિજનક નિવેદન આપ્યું છે. જે મામલે મુંબઈ પોલીસે એજાઝ ખાનની ધરપકડ કરી લીધી છે. જે અંગેની જાણકારી પોલીસ અધિકારીએ આપી છે.
શા માટે કરી ધરપકડ
અભિનેતા એજઝ ખાન પર ઉશ્કેરણીજનક ભાષણ, માનહાની અને પ્રતિબંધક આદેશનું ઉલ્લંઘન કરવા બદલ તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ હતી. ગુરૂવારે એજાઝ ખાને ફેસબુક પર લાઈવ કર્યુ હતું. જે વીડિયોમાં તેણે સાંપ્રદાયિક વાતો કરી ધાર્મિક ભાવનાઓને ભડકાવવાનું કામ કર્યુ હતું.
શું કહ્યું એજાઝ ખાને
ફેસબુક પર લાઈવ વીડિયોમાં એજાઝ ખાને કહ્યું હતું કે, 'કીડી મરી જાય તો મુસલમાન જવાબદાર, હાથી મરી જાય તો મુસલમાન જવાબદાર, દિલ્હીમાં ભુંકપ આવે તો મુસલમાન જવાબદાર. પણ શું તમે ક્યારેય વિચાર્યુ છે કે ખરેખર આ બધા પાછળ કોની સાજિશ છે?'
આટલે ન અટકતાં એજાઝ ખાને ત્યાં સુધી કહી દીધું કે, જે લોકો આવી સાજિશ રચી રહ્યાં છે તેમને કોરોના થઈ જાય. એજાઝ ખાનનો આ વીડિયો ખુબ જ વાઈરસ થઈ રહ્યો છે. અનેક લોકોએ એજાઝને ભડકાઉ ભાષણ બદલ આડે હાથ પણ લીધો છે.
સોશિયલ મીડિયામાં #અરેસ્ટએજાઝખાન પણ ટ્રેન્ડ થયું હતું. આ સાથે પોલીસે આ મામલાને ગંભીરતાથી લઈ શનિવારે એજાઝ ખાનની ધરપકડ કરી છે.
નોંધનીય છે કે આ અગાઉ પણ પોલીસે એજાઝ ખાન વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.