પટના : સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં સુશાંતની કથિત ગર્લફેન્ડ રિયા ચક્રવતી ઇડી સમક્ષ આજે હાજર થશે. ઇડીએ રિયાને પૂછપરછ કરવા મુંબઇ ઓફિસ બોલાવી છે.
આજે હાજર થશે રિયા ચક્રવતી
ઇડીએ મેલ કરીને રિયા ચક્રવતીને આજે 11 વાગ્યે ઓફિસ બોલાવી છે. ચક્રવતીને ઇડી રાજપૂત સાથેની તેની મિત્રતા, સંભવિત વ્યવસાયિક વ્યવહારો અને વર્ષોથી તેમની વચ્ચેના સંબંધ વિશે પૂછપરછ કરશે. ત્યાં બીજી તરફ સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા મામલે તપાસ માટે પટનાથી મુંબઇ ગયેલા વિનય તિવારીની ક્વોરન્ટાઇન અવધિ આજે પૂર્ણ થઇ ગઇ છે. આ જાણકારી વિનય તિવારીએ આપી હતી. તેમણે કહ્યું કે, બીએમસીએ સૂચના આપી છે કે, તેમનો ક્વોરન્ટાઇનનો પીરીયડ પૂર્ણ થઇ ગયો છે, હવે તે બહાર જઇ શકે છે. તેમણે કહ્યું કે, તે આજે પટના જશે.
મામલો 15 કરોડના રૂપિયાને લઇને છે સંબધિત
આ કાર્યવાહી ઇડીએ શુક્રવારે રિયા અને તેમના પરિવારના સભ્યો સામે નોંધાયેલા કેસને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરી છે. ઇડીનો મની લોન્ડ્રિંગ કેસ 15 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શનથી સંબંધિત છે. કથિત રીતે તે સુશાંત સિંહની 'આત્મહત્યા' સાથે સંબંધિત છે.
રિયા ચક્રવતી વિરૂદ્ધ એફઆઇઆર
સુશાંતના પિતા કે.કે સિંહ દ્વારા રિયા વિરૂદ્ધ પટનામાં એફઆઈઆર નોંધાવ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. સુશાંતની પિતાએ રિયા પર આરોપ લગાવ્યો છે કે, રિયા સુશાંતને ધમકાવતી હતી, અને તેના પરિવારથી દૂર રાખતી હતી. પોલીસ એફઆઈઆરને આધારે ઇડીએ આ મામલામાં રિયા અને તેના પરિવારના સભ્યોના નામ શામેલ કર્યા હતા.