નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે કોમેડિયન વીર દાસની નેટફ્લિક્સ પરની સીરિઝ 'હસમુખ'ના પ્રસારણ પર રોક લગાવવાનો દાવો કરતી અરજી પર વચગાળાનો સ્ટે આપવાનો ઇનકાર કરી દીધો છે. આ સીરિઝના નિર્માતાઓ પર દેશના વકીલોની છબી ખરડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
હાઈકોર્ટના ન્યાયાધીશ સંજીવ સચદેવાએ વકીલ આશુતોષ દુબે દ્વારા કરવામાં આવેલી અરજી ફગાવી દીધી હતી. આ શોના પ્રસારણ પર કાયમી મનાઈહુકમની માંગણી કરતી મુખ્ય અરજી પર સુનાવણી હજી બાકી છે જે જુલાઈમાં યોજાશે.
નેટફ્લિક્સના વકીલ સાઇકૃષ્ણ રાજાગોપાલે પોતાની દલીલ રજૂ કરતા જણાવ્યુ હતું કે આ શો પર પ્રતિબંધ અભિવ્યક્તિની સ્વતંત્રતાની વિરુદ્ધ હશે.
હસમુખ એક હાસ્ય કલાકારની વાર્તા છે જે તેના માર્ગદર્શકને પોતે એક સારો કોમેડિયન છે તે સાબિત કરવાની મહત્વાકાંક્ષા ધરાવે છે અને તે માટે તે આવેશમાં આવી જઇ ખૂન કરી બેસે છે. આ સીરિઝમાં વીર દાસની સાથે રણવીર શોરી, મનોજ પાહવા, અમૃતા બાગચી, રઝા મુરાદ જેવા કલાકારોએ અભિનય કર્યો છે.