મુરાદાબાદ: જિલ્લામાં દોઢ વર્ષ બાદ પોલીસે અભિનેત્રી સોનાક્ષી સિંહા સહિત પાંચ લોકો સામે છેતરપિંડીના કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. મુખ્યમંત્રી પોર્ટલ પર ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. સોનાક્ષી પર પૈસા લઇ કાર્યક્રમમાં ઉપસ્થિત ન રહેવાનો આરોપ હતો. ગયા વર્ષે પોતાનું નિવેદન નોંધાવવા સોનાક્ષી મુરાદાબાદ આવી હતી.
ઇવેન્ટ મેનેજર પ્રમોદ શર્મા, જે મુરાદાબાદના કાટઘર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહે છે, તેણે ફિલ્મ અભિનેત્રી સોનાક્ષી સિંહાને ટેલેંટ ફુલઓન અને એક્સાઈડ એન્ટરટેનમેન્ટ કંપની દ્વારા ઈન્ડિયા ફેશન એન્ડ બ્યૂટી એવોર્ડ માટે બોલાવ્યો હતો. આ કાર્યક્રમ 30 સપ્ટેમ્બર 2018 ના રોજ દિલ્હીના શ્રી ફોર્ડ ઓડિટોરિયમમાં યોજાવાનો હતો. સોનાક્ષી સિંહાએ આ માટે સોશિયલ મીડિયા પર એક પ્રમોશન વીડિયો પણ જાહેર કર્યો હતો.
કાર્યક્રમમાં આવવા માટે અભિનેત્રીએ 29 લાખ 92 હજાર રૂપિયા લીધા હતા. તેમજ અભિષેક સિંહાને 6 લાખ 48 હજાર રૂપિયા પણ ચુકવવામાં આવ્યા હતા, ત્યારબાદ સોનાક્ષી સિંહા આ કાર્યક્રમમાં ભાગ લેવા ન આવી, જેના કારણે ઇવેન્ટ મેનેજરને 50 લાખનું વધારાનું નુકસાન થયું હતું. જેની પ્રમોદે વર્ષ 2019 માં કાટઘર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.
કેસ દાખલ થયા બાદ સોનાક્ષી સિંહા આ મામલે પોતાનું નિવેદન નોંધાવવા 14 ઓગસ્ટે મુરાદાબાદ આવી હતી. એક હોટલમાં બે કલાક રોકા્યા બાદ તે પોતાનું નિવેદન નોંધવા ગઈ હતી.પ્રમોદે આ સમગ્ર મામલે મુખ્યમંત્રી પોર્ટલ ઉપર બે વાર ફરિયાદ કરી હતી, ત્યારબાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી સોનાક્ષી સિંહા સામે કલમ 420, 406 માં ચાર્જશીટ દાખલ કરી હતી.