હિન્દી સિનેમાજગતમાં નકારાત્મક પાત્ર ભજવનારા શક્તિ કપૂરે 700થી પણ વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. 80થી 81ની વચ્ચે શક્તિ કપૂરની ફક્ત 2 ફિલ્મો રિલીઝ થઇ હતી. જેણે શક્તિને બોલીવુડનો ખલનાયક બનાવી દીધો હતો.
શક્તિ કપૂરનું નામ સિનીલ સિકંદરલાલ કપૂર છે. શક્તિને તેમનું આ નામ સારૂ ન હતું લાગતું. જેથી તેમણે આ નામ બદલાવી દીધું હતું. શક્તિનો જન્મ પંજાબી પરિવારમાં થયો હતો. તેમણે દિલ્હી યૂનિવર્સિટીના કરોડીમલ કોલેજથી અભ્યાસ કર્યો છે.
બોલિવૂડનાં સૌથી ફની કિરદારમાંથી એક નંદૂનો રોલ અદા કરનાર અને વિલેનના અંદાજમાં હિરો હિરોઇનોની મુશ્કેલીઓ વધારનાર શક્તિ કપૂરનો આજે 3 સપ્ટેમ્બરના રોજ જન્મ દિવસ છે. વર્ષ 1975થી તેમના કરિઅરની શરૂઆત કરનારા શક્તિ કપૂરે અત્યાર સુધીમાં 700થી વધુ ફિલ્મોમાં કામ કર્યુ છે. હવે તે ફિલ્મોમાં પહેલાં જેટલાં એક્ટિવ નથી. જો કે, તે કોમેડી કિંગ કપિલ શર્માના શોમાં આવ્યા હતા. ત્યારે આ શોમાં ક્રાઇમ માસ્ટર ગોગોએ ન ફક્ત તેની સાથે મજાક મસ્તી કરી હતી પણ તેમનાં કરિઅરની શરૂઆતના કિસ્સાઓ વિશે વાત કરી હતી.
તેમણે પોતાના કરિઅરની શરૂઆત 1973માં અર્જુન હિંગોરાની ફિલ્મ "કહાની કિસ્મત કી" થી કરી હતી. ધર્મન્દ્ર તથા રેખાઆ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં હતા. પોતાના બોલિવૂડ કરિઅરની વાત કરતા શક્તિ કપૂરે કહ્યું હતું કે, એક વખત દિગ્ગજ એક્ટર ફિરોઝ ખાનની કાર સાથે તેની ટક્કર થઇ ગઇ હતી. આ ટક્કરે તેનું જીવન બદલી નાખ્યું. તેણે જણાવ્યું કે, એક વખત મુંબઇમાં તેની કારની ટક્કર એક મર્સિડીઝ સાથે થઇ ગઇ હતી. એવામાં જ્યારે શક્તિ કપૂર ગાડીમાંથી બહાર નીકળ્યો તો તેણે મર્સિડીઝમાંથી એક લાંબો અને ખુબજ સુદંર વ્યક્તિને બહાર આવતા જોયો. આ વ્યક્તિ હતાં ફિરોઝ ખાન. શક્તિ આ તક કેવી રીતે ગુમાવી દેતા? તેણે ફિરોઝ ખાનને કહ્યું કે, તે 'ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પૂણે'થી છે અને તેની પાસે અભિનયમાં ડિપ્લોમાની ડિગ્રી છે.
શક્તિ કહે છે કે, વાતો વાતોમાં જ તેણે ત્યાં ફિરોઝથી તેમની ફિલ્મમાં એક રોલની વાત પણ કરી દીધી. શક્તિએ કહ્યું કે, આ બાદ ફિરોઝજી જતાં રહ્યાં. તે બાદ શક્તિ તેના એક મિત્રને મળવા તેના ઘરે પહોચ્યો. શક્તિના તે મિત્ર કે. કે. શુક્લા હતાં. શુક્લાજી ફિરોઝની સાથે ફિલ્મ 'કુર્બાની'માં કામ કરી રહ્યાં હતાં.
શક્તિ કપૂરે વધુમાં જણાવ્યું કે, 'ત્યાં મારા મિત્રએ જણાવ્યું કે, ફિરોઝ ખાન ફિલ્મમાં એક ખાસ કેરેક્ટર માટે એક નવાં એક્ટરની તલાશમાં છે. સાથે જ તે જે વ્યક્તિને શોધી રહ્યાં છે તે પૂણે 'ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પૂણે'થી છે. તેમણે તેની કારને ટક્કર મારી હતી. મિત્રની આ વાત સાંભળીને શક્તિ કપૂર ખુબજ ઉત્સાહિત થઇ ગયા હતાં. અને જોર જોરથી બુમો પાડવા લાગ્યા હતાં કે, તે તો હું જ છું.' જે બાદ શક્તિ કપૂરે ફિરોજ ખાનને ફોન લગાવ્યો અને આ રીતે તેને 'કુર્બાની'ફિલ્મમાં વિક્રમનો રોલ મળ્યો હતો. આ પછી તેમની કિસ્મત બદલી હતી અને વર્ષ 1980માં ફિલ્મ કુર્બાનીમાં તેમણે કામ કરવાનો મોકો મળ્યો હતો.