મુંબઈ: દર રવિવારે મહાનાયક અમિતાભ બચ્ચનને જોવા જલસા બંગલાની આગળ ફેન્સની ભીડ એકત્રિત થતી હોય છે. પરંતુ લોકડાઉનને લીધે છેલ્લા ઘણાં દિવસોથી આ સંભવ નથી. અભિનેતાએ પોતાના બ્લૉગ પર એ પળોને યાદ કરી હતી.
છેલ્લા 38 વર્ષથી બિગ-બી ફેન્સને જલસા બંગલા આગળ અભિવાદન કરે છે. આ એક પરંપરા જેવું બની ગયું છે. પરંતુ દેશભરમાં લાગુ કરાયેલા લોકડાઉનને લીધે ફેન્સની ભીડ જોવા મળતી નથી. અભિનેતાએ બ્લૉગ પર લખ્યું છે કે, 'રવિવાર હવે પહેલા જેવો નથી. ખુશીથી ઝૂમતા ચહેરા, રેકોર્ડ કરતાં મોબાઈલ... ફેન્સ સાથે મળવાની એ ક્ષણ... ચીયર કરતાં ફેન્સ... ભલામણ પત્રોનું આવવું, વિદેશી મહેમાન... ગિફ્ટ મળવી... ફોટોગ્રાફ્સ... બાય કહેવું... એ બધું જ પૂરું થઈ ગયું છે.'
અભિનેતાએ પોસ્ટ સમાપ્ત કરતાં લખ્યું છે કે, 'આ આજે ન્હોતું... આ ફક્ત યાદો છે.'