મુંબઇઃ જગદીપ એક એવા યુગના કલાકાર હતા જ્યારે હિન્દી ફિલ્મ્સમાં કૉમેડી કલાકારની એટલી જ જરૂર હતી જેટલી કે ફિલ્મના હીરોની...લગભગ કોઇપણ ફિલ્મ ખાસ રીતે એક ફેમેલી ડ્રામા તેમજ રોમેન્ટિક ફિલ્મ પણ કૉમેડી કિરદાર વિના અધૂરી જ લાગતી હતી.
29 માર્ચ 1939ના દિવસે અમૃતસરમાં સૈયદ ઇશ્તિયાક અહમદ જાફરીના રૂપમાં જન્મેલા જગદીપે 6 દશક સુધી પોતાના કરિયરમાં 400થી પણ વધુ ફિલ્મ્સમાં અભિનય કર્યો છે. જો કે, રમેશ સિપ્પીની બ્લૉકબસ્ટર શોલે (1975)માં તેમની ભૂમિકા સૂરમા ભોપાલીના રૂપમાં હતી, જે કિરદારથી તેઓ વાસ્તવમાં બધા ચાહકોના પ્રિય બન્યા હતા. જ્યારે શોલે રિલિઝ થઇ ત્યારે જગદીપને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 20 વર્ષથી વધારે સમય વિતી ચૂક્યો હતો.
એક દશક બાદ સૂરમા નામ પરથી એક ‘સૂરમા ભોપાલી’ ફિલ્મ પણ બની, જેમાં મુખ્ય ભૂમિકા તેમણે જ ભજવી હતી અને સાથે ફિલ્મનું નિર્દેશન પણ કર્યું હતું.
જગદીપે પોતાના સફરની શરૂઆત બાળ કલાકાર તરીકે બી.આર. ચોપરાની ફિલ્મ ‘અફસાના’ (1951)થી કરી હતી. જે ફિલ્મમાં અશોક કુમાર, વીણા અને પ્રાણ જેવા કલાકારો સાથે તેમણે કામ કર્યું હતું. તેમણે રાજ કપૂર દ્વારા નિર્મિત ફિલ્મ અબ દિલ્હી દૂર નહીં, કે.એ. અબ્બાસની ફિલ્મ મુન્ના, ગુરુદત્તની ફિલ્મ આર પાર, બિમલ રૉયની ફિલ્મ દો બીઘા જમીન અને એવીએમ દ્વારા નિર્મિત ફિલ્મ હમ પંછી એક ડાલ કે...આ બધી ફિલ્મસમાં તેમણે પોતાનો અભિનય રજૂ કર્યો હતો.
‘હમ પંછી એક ડાલ કે’ સર્વશ્રેષ્ઠ બાળકોની ફિલ્મ માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ જીત્યો હતો. આ સાથે ફિલ્મમાં પંડિત જવાહર લાલ નેહરૂએ યુવા જગદીપને નોટિસ કર્યો હતો. કહેવામાં આવે છે કે, ત્યારબાદ અભિનેતાના શાનદાર કિરદારથી પ્રભાવિત થઇને નેહરૂએ જગદીપને ભેટ આપી હતી.
કૉમેડીમાં કદમ રાખ્યા પહેલા અભિનેતાએ મુખ્ય કિરદારના રૂપમાં સફળ ફિલ્મ્સ પણ કરી હતી. જગદીપને ભાભી (1957), બરખા (1960) અને બિંદિયા (1960) જેવી ફિલ્મ્સમાં એવીએમ દ્વારા એક લીડિંગ મેનના રૂપમાં લૉન્ચ કરવામાં આવ્યા હતા. આ સાથે જ એક નાયકના રૂપમાં તેમણે બીજી ફિલ્મ્સ પણ કરી હતી.
તેમની છેલ્લી ફિલ્મ અલી અબ્બાસ દ્વારા નિર્દેશિત કૉમેડી ફિલ્મ ‘મસ્તી નહી સસ્તી’ (2017) છે. જેમાં કાદર ખાન, શક્તિ કપૂર, જૉની લીવર અને પ્રેમ ચોપડાએ પણ અભિનય કર્યો હતો.
જગદીપનું બુધવારની રાત્રે 8:30 વાગ્યાની આસપાસ બાન્દ્રા સ્થિત તેમના ઘરે જ સ્વાસ્થ્ય સંબંધિત બિમારીના કારણે તેમનું નિધન થયું હતું.
તેમના જવાથી હિન્દી સિનેમાએ એક એવો અભિનેતા ગુમાવ્યો છે કે, જેમણે પોતાની જિંદગીમાં દર્શકોને મનોરંજન આપ્યું હતું.