- એક મહિનાના ગાળામાં પેટ્રોલ અને ડિઝલના ભાવ દસ વાર વધ્યા
- બળતણના બે તૃતીયાંશ ભાવ કેન્દ્ર અને રાજ્ય સરકારોએ લાદેલી જકાત અને વેરા છે
- આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલના ભાવ મોટા પાયે તૂટ્યા હતા
ન્યુઝ ડેસ્કઃ સરકાર ભલે ગમે તેની હોય, પરંતુ પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવ આંતરરાષ્ટ્રીય તેલ બજારમાં થતી વધઘટ સાથે સુસંગત રીતે બદલાતા હોવા જોઈએ. આમ છતાં જ્યારે પાંચ વિધાનસભાઓની ચૂંટણીઓ ચાલી રહી હતી, ત્યારે પેટ્રોલિયમ પેદાશોના ભાવો વધ્યા ન હતા, તે હકીકત જોતાં આ ભાવો ઉપર પણ રાજકારણનો પડછાયો પડ્યો હોય તેમ લાગે છે. ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ પેટ્રોલના ભાવ દર એકાંતરે દિવસે વધવા લાગ્યા હતા અને તેનાથી લોકોના ગજવાં ખાલી થવાં લાગ્યાં હતાં.
એક મહિનાના ગાળામાં પેટ્રોલ અને ડિઝલના ભાવ દસ વાર વધ્યા. પરિણામે, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રના કેટલાંક શહેરોમાં પેટ્રોલના ભાવે પ્રતિ લીટર રૂપિયા 100નો આંક પણ વટાવી દીધો. ઇંધણનું માર્કેટિંગ કરતી એજન્સીઓએ અગાઉની માફક જ ખુલાસો કર્યો કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલના ભાવ વધીને 69 અમેરિકન ડોલર થઈ ગયા હોવાથી અમે નુકસાન સરભર કરવા પેટ્રોલ - ડિઝલના ભાવ વધાર્યા છે.
વર્ષ 2014માં જ્યારે એનડીએની સરકાર સત્તારૂઢ થઈ ત્યારે ક્રૂડ તેલનો આંતરરાષ્ટ્રીય ભાવ પ્રતિ બેરલ 110 અમેરિકન ડોલર હતો. પરંતુ તે સમયે પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂપિયા 71 હતો અને ડિઝલ પ્રતિ લીટર રૂપિયા 57ના ભાવે વેચાઈ રહ્યું હતું. આ બન્ને સમયે તેની કિંમત સાથે સરખામણી કરવામાં આવે છે ત્યારે સામાન્ય માણસનો પેટ્રોલના હાલના ભાવ પાછળના તર્ક અંગેનો પ્રશ્ન વાજબી ઠરે છે કેમકે તે સમયે તો ક્રૂડ તેલનો પ્રતિ બેરલ 110 ડોલર ખર્ચ થતો હતો.
વડાપ્રધાન જ્યારે ભારતની ઉર્જા આયાતની નિર્ભરતા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં પાછલી સરકારોને નિષ્ફળ ગણાવીને દોષ દે છે, ત્યારે તેઓ અર્ધસત્ય બોલે છે. એ નોંધવું જોઈએ કે કોવિડની મહામારી ફાટી નીકળી તે પહેલાં પેટ્રોલ ઉપર પ્રતિ લીટર ફક્ત રૂપિયા 19.98 એક્સાઈઝ ડ્યુટી હતી અને તે ક્રમશઃ વધારીને પ્રતિ લીટર રૂપિયા 32.98 કરવામાં આવી છે. તે જ રીતે, ડિઝલ ઉપરની એક્સાઈઝ ડ્યુટી આ જ ગાળામાં રૂપિયા 15.83થી વધારીને રૂપિયા 31.83 કરવામાં આવી છે. રાજ્ય સરકારોએ પણ બળતણના ભાવ ઉપર વેટ ઉમેરીને બળતામાં ઘી હોમ્યું છે. બળતણના બે તૃતીયાંશ ભાવ કેન્દ્ર અને રાજ્ય સરકારોએ લાદેલી જકાત અને વેરા છે. અર્થશાસ્ત્રીઓએ જણાવે છે કે જો પેટ્રોલિયમ ફ્યુઅલને જીએસટીના દાયરામાં લાવવામાં આવે તો પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂપિયા 75 અને ડિઝલનો ભાવ પ્રતિ લીટર રૂપિયા 68 થશે. આ સલાહ માનવા જેવી છે.
એનડીએ સરકારના સાત વર્ષોના શાસન દરમ્યાન દેશના અંદાજપત્રનું કદ વધીને લગભગ બમણું થયું છે. એ જ રીતે, સરકારની પેટ્રોલિયમ બળતણોમાંથી થતી આવક પણ આ ગાળામાં પાંચ ગણી વધી છે.
વર્ષ 2014-15માં પેટ્રોલિયમ દ્વારા થયેલી એક્સાઈઝની આવક રૂપિયા 74,158 કરોડ હતી. કેન્દ્ર સરકારે પોતે જ સંસદમાં જણાવ્યું હતું કે વર્ષ 2020-21 સુધીમાં પેટ્રોલિયમ બળતણોની એક્સાઈઝ ડ્યુટી દ્વારા મળતી આવક રૂપિયા 2.95 લાખ કરોડ થઈ છે.
જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલના ભાવ મોટા પાયે તૂટ્યા હતા, ત્યારે કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં કુલ નવ વખત વધારો કર્યો હતો. કેન્દ્ર સરકાર પોતાને પર્યાપ્ત આવક થાય તે સુનિશ્ચિત કરવાની લ્હાયમાં પેટ્રોલિયમ ઉપર વિશ્વભરમાં સૌથી ઊંચી એક્સાઈઝ ડ્યુટીઝ વસૂલે છે. કેન્દ્ર સરકાર પોતે આ બાબતે કોઈ પહેલ કરવાની સ્થિતિમાં ન હોવાથી તેણે રાજ્યોને કહ્યું કે તેઓ આ મુદ્દે કોઈ પણ પ્રકારનું બલિદાન આપવા સ્વતંત્ર છે. આ મુદ્દો સ્પષ્ટ કરતાં કેન્દ્રિય નાણાં પ્રધાને જણાવ્યું હતું કે પેટ્રોલિયમના ભાવો બાબતે તેમની સામે ધર્મસંકટ ઊભું થયું છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારો પેટ્રોલિયમ ઉપર વેરાના નામે લોકો પાસેથી રૂપિયા પાંચ લાખ કરોડ કરતાં વધુ રકમ ખંખેરે છે. પેટ્રોલિયમ પેદાશોને જીએસટી હેઠળ લાવવા માટેની કોઈ દરખાસ્ત ધ્યાન ઉપર લેવાઈ રહી છે કે નહીં, તે મુદ્દે કેન્દ્ર સરકારે જાણીજોઈને નિર્ણય લેવાનું છે અને કહ્યું છે કે આ મુદ્દે રાજ્યો સાથે વિચાર વિમર્શ કરીને જો રાજ્યો ઈચ્છે તો નિર્ણય લઈ શકાય.
જીએસટી કાઉન્સિલની બેઠક સાત મહિનાના અંતરાલ પછી આવતા અઠવાડિયે મળી રહી છે. કોવિડનો સેકન્ડ વેવ ચરમસીમાએ હોવાથી કાઉન્સિલ દવાઓ, તબીબી ઉપકરણો અને તબીબી સેવાઓ ઉપર કરવેરામાં અપવાદો આપવા અંગે ચર્ચા કરે એવી સંભાવના છે. આ સમય છે, જ્યારે સરકારોએ બેરોજગારી, ફુગાવો અને અસાધારણ રીતે વધેલા મેડિકલ ખર્ચાના બોજો હેઠળ દબાયેલા લોકો પ્રત્યે જવાબદારીપૂર્વક વર્તવાનો. જો પેટ્રોલ અને ડિઝલને જીએસટીના દાયરા હેઠળ લાવવામાં આવે તો જ પેટ્રોલિયમ બળતણના ભાવમાં અવારનવાર ઝીંકાતા વધારાનો માર સહેતા સામાન્ય માણસો રાહતનો શ્વાસ લઈ શકશે.