કેન્દ્રના પ્રધાનો રવિશંકર પ્રસાદ અને પ્રકાસ જાવેડકરે 25 ફેબ્રુઆરીએ નવી દિલ્હીમાં પત્રકાર પરિષદમાં આ નવા નિયમોની જાહેરાત કરી હતી. ડિજિટલ મીડિયા, સોશ્યલ મીડિયા અને ઓટીટી પ્લેટફોર્મપર નિયંત્રણો માટેના આ નવા નિયમો જાહેર કરવામાં આવ્યા. ફિલ્મો, અખબારો અને ટીવી માટે નિયંત્રક નિયમો છે, તેની જેમ જ હવે આ નિયમો લાગુ પાડવામાં આવશે. ગેરમાહિતીનો ફેલાવો, ફેક ન્યૂઝ અને ડિજિટલ પ્લેટફોર્મ પર દુષ્પ્રચારને નિયંત્રિત કરવા માટેના શુભઈરાદા સાથે આ નિયમો જાહેર કરાયાના દાવા કરવામાં આવ્યા છે, પરંતુ આ વાજબી ચિંતાઓના બહાને પત્રકારો અને રાજકીય કાર્યકર્તાઓ બંનેના અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનું ગળું દબાવવાની કોશિશ હોય તેવી ચિંતા પણ પેઠી છે.
આઈટી પ્રધાન રવિશંકર પ્રસાદે પત્રકારોને જણાવ્યું કે “પ્રિય પત્રકાર મિત્રો, એટલું સમજો કે અમે કોઈ નવો કાયદો લાવ્યા નથી. આઈટી ઍક્ટનો કાયદો છે જ અને કાયદાની જોગવાઈ પ્રમાણે જ અમે નિયમોની રચના કરી છે.” સોશ્યલ મીડિયા, ડિજિટલ મીડિયા અને ઓટીટી માટેના આ નવા નિયમો જાહેર કરાયા છે, પણ તેની અસરો ઓનલાઇન કેવી રીતે માહિતી પીરસવામાં આવશે તેના પર પડશે એમ લાગે છે. સરકાર કહે છે કે તેમણે 'હળવા હાથે' નિયમો તૈયાર કર્યા છે અને સોશ્યલ મીડિયાને માત્ર 'સ્વ નિયંત્રણો' માટે જ આ નિયમો જણાવાયા છે.
ઓનલાઇન ન્યૂઝ અને સાંપ્રત પ્રવાહોના કાર્યક્રમો
ડિજિટલ મીડિયામાં ન્યૂઝ પોર્ટલ અને સાંપ્રત પ્રવાહોના કાર્યક્રમો આપતા ઓનલાઇન પ્લેટફોર્મનો સમાવેશ થાય છે. તેને આદર્શ સિદ્ધાંતોના નિયમો લાગુ પડે છે, જે પ્રવર્તમાન કાયદાઓ પ્રમાણે અને અખબારો તથા ટીવી માટે લાગુ પડે છે તે પ્રમાણેના છે. નવું જે જાહેર કરવામાં આવ્યું છે તેમાં ખાસ તો ફરિયાદ નિવારણ માટેની ત્રીસ્તરિય વ્યવસ્થા માટેના નિયમો કરાયા છે, જેમાં આખરી નિર્ણય જે તે મંત્રાલય પર રહેશે.
પ્રથમ તબક્કાની ફરિયાદ નિવારણની વ્યવસ્થા ડિજિટલ મીડિયા પ્લેટફોર્મે ઊભી કરવાની રહેશે. ભારતમાં જ એક ફરિયાદ નિવારણ માટે અધિકારી નિમવાના રહેશે. ફરિયાદ કરનારી વ્યક્તિને લાગે કે યોગ્ય રીતે ફરિયાદનું નિવારણ થયું નથી, ત્યારે સ્વતંત્ર રીતે નિમાયેલા 'સ્વ નિયંત્રક મંડળ'ને રજૂઆત કરવાની રહેશે. ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ અને તેના એસોસિએશન દ્વારા આવું મંડળ તૈયાર કરવાનું છે, જેનું વડપણ સુપ્રીમ કોર્ટ અથવા હાઈ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશે કરવાનું રહેશે. આ સિવાય મંત્રાલય દ્વારા જોઈન્ટ સેક્રેટરી કક્ષાના અધિકારી હેઠળ સત્તામંડળ રચાશે. મંડળ પાસે પણ સંતોષકારક ઉકેલ ના આવે ત્યારે આ સત્તામંડળ સમક્ષ રજૂઆત કરી શકાશે.
સરકારે આ નવા નિયમો ખાસ કરીને સોશ્યલ મીડિયા કંપનીઓ પર નિયંત્રણ રાખવા માટે લાગુ કર્યા છે. મહત્ત્વની સોશ્યલ મીડિયા કંપનીની વ્યાખ્યા કરવામાં આવશે, 'તેમાં અમુકથી વધારે યુઝર્સ હોય તેને કેન્દ્ર સરકાર નોટિફાઇ કરશે' એમ જણાવાયું છે. સમાચારો અને સાંપ્રત પ્રવાહો વિશે વિપુલ પ્રમાણમાં કન્ટેન્ટ આપતી કંપનીઓને મહત્ત્વની ઇન્ટરમિડિયેટરી ગણવામાં આવશે. લગભગ પાંચથી વધારે સબસ્ક્રાઇબર્સ હોય અને સોશ્યલ મીડિયામાં 50 લાખથી વધારે ફોલોઅર્સ હોય તેમને સિગ્નિફિકન્ટ ઇન્ટરમિડિયરીઝ ગણવામાં આવશે તેવી શક્યતા છે.
સોશ્યલ મીડિયા અને તેના પર દેખરેખ
સોશ્યલ મીડિયા પર થતી ગતિવિધિઓ પર હવે ઝીણી નજર રાખવામાં આવશે અને તેમાં જે કંઈ પોસ્ટ થયું હશે તેના વિશે માહિતી માગી શકાશે. વિવાદાસ્પદ બાબતો મૂકવામાં આવી હશે તે વિશે માહિતી આપવાની રહેશે અને દેશની કાયદાપાલન એજન્સીઓને સહકાર આપવાનો રહેશે.
આ નિયમોમાં 'દુરુપયોગ અને ગેરઉપયોગ' જેવા શબ્દો વપરાયા છે, જેની વ્યાખ્યા કરવામાં મનફાવે તેમ થઈ શકે છે. સરકાર વિરોધી કોઈ પણ બાબત કે ટીકાને આ વ્યાખ્યા હેઠળ ગણી લેવાની વૃત્તિ થઈ શકે છે. 'દેશના વિરોધમાં સ્થાપિત હિતો' શબ્દોનું પણ મનફાવે તેવું અર્થઘટન થઈ શકે છે.
સોશ્યલ મીડિયા પ્લેટફોર્મને તેમની દેખરેખ રાખવાની વ્યવસ્થાને વધારે સચેત કરી દેવા કહેવાયું છે અને જે બાબતો અશ્લિલ હોય, દેશની એકતા અને અખંડિતાને જોખમ કરનારી હોય, વિદેશી રાષ્ટ્રોની મજાક ઉડાવતી હોય, હિંસક લાગણી ભડકાવનારી, સ્ત્રી પ્રત્યે અપમાનકારક હોય, ચાઇલ્ડ પોર્નોગ્રાફી અથવા ધાર્મિક લાગણી ભડકાવનારી હોય તેને તાત્કાલિક દૂર કરવા માટે કંપનીઓને જણાવાયું છે. સરકારની કાયદાપાલન એજન્સીઓ આદેશ કરે ત્યારે આવી સામગ્રી દૂર કરવા માટે કંપનીઓને જણાવાયું છે.
મોટી સોશ્યલ મીડિયા ઇન્ટરમિડિયરીઝને સૂચના આપવામાં આવી છે કે તેમણે મુખ્ય કાયદાપાલન અધિકારીની નિમણૂક કરવી. તે વ્યક્તિ ભારતીય હોવી જોઈએ અને ભારતમાં રહેતી હોવી જોઈએ. સાથે જ 24x7 ગમે ત્યારે સંપર્ક માટે નોડલ અધિકારીની નિમણૂક કરવું પણ જરૂરી બનાવાયું છે.
આ ઉપરાંત ફરિયાદ નિવારણ અધિકારીની પણ નિમણૂક કરવાની રહેશે. તે પણ ભારતીય હોવો જોઈએ અને ભારતમાં રહેનારો હોવો જોઈએ. યુઝર્સ તેની પાસે ફરિયાદ કરી શકે તેવી વ્યવસ્થા કરવાની રહેશે.
આ બધા પગલાં ઉપરથી ઠીક લાગી રહ્યા છે, પરંતુ સોશ્યલ મીડિયામાં શું પ્રગટ થવું જોઈએ તે બાબતમાં આના કારણે સરકારની દખલગીરી વધી શકે છે. પત્રકાર પરિષદમાં રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે “આ કંપનીઓ ભારતમાં કામકાજ કરે છે, ત્યારે તેમણે ભારતના નિયમોનું અને સંસ્કૃતિનું પાલન કરવું પણ જરૂરી છે.”
OTT પ્લેટફોર્મ માટે સ્વનિયંત્રણ સાથેનું 'સેન્સર બોર્ડ'
OTT પ્લેટફોર્મ પર રજૂ થતી ફિલ્મો, સિરિયલો કે કાર્યક્રમો માટે કોઈ સેન્સર બોર્ડ રચવાની ગણતરી નથી એમ ભારત સરકારે જણાવ્યું છે. આમ છતાં આ કંપનીઓએ વયજૂથ પ્રમાણે કન્ટેન્ટનું નિયંત્રણ થઈ શકે તે માટેની વ્યવસ્થા અને સર્ટિફિકેટ માટેની વ્યવસ્થા કરવા જણાવાયું છે. જુદી જુદી ઉંમરના લોકો માટેના કન્ટનેન્ટને કઈ રીતે સર્ટિફિકેટ આપવું જોઈએ તે માટેની વિસ્તૃત ગાઈડલાઈન આપવામાં આવી છે. બધા જ બાળકો જોઈ શકે તે માટે U, સાત વર્ષથી મોટી ઉંમરના બાળકો માટે U/A 7+, 13 વર્ષથી મોટી ઉંમરના બાળકો માટે U/A 13+, 16 વર્ષથી મોટી ઉંમરના બાળકો માટે U/A 16+ અને માત્ર પુખ્ત વયના લોકો માટે A એવી રીતે સર્ટિફિકેટ આપવા જણાવાયું છે. સાથે જ દેશની એકતા અને અખંડિતાને અસર થાય તેવી, દેશની સુરક્ષા, વિદેશી રાષ્ટ્રો સાથે સંબંધને અસર થાય તેવી તથા સામાજિક લાગણીઓને ઉશ્કેરી તેવી કોઈ બાબતો રજૂ ના કરવા માટે OTT પ્લેટફોર્મ્સને કાળજી લેવા જણાવાયું છે.
શું આ નિયમોથી સ્વનિયંત્રણ શક્ય બનશે
આ બધા નિયમો અને માર્ગદર્શિકા જોઈએ ત્યારે ખ્યાલ આવે છે કે આ પ્રકારની સામગ્રી પીરસવા સામે આ દેશમાં પ્રથમથી જ ઘણા કાયદા અને નિયમો છે. ફરિયાદ નિવારણ માટેની વ્યવસ્થા ગોઠવવા સિવાય બાકી કોઈ નવી વાત આમાં જણાતી નથી. ભારતમાં તેમની પ્રવૃત્તિઓ માટે ચોક્કસ અધિકારીઓ નિમવા માટેની વ્યવસ્થા સિવાય ખાસ કોઈ નવા નિયમો જણાતા નથી.
આ રીતે પોતાની સામગ્રી માટે 'સ્વ નિયંત્રણ' અને આદર્શ સિદ્ધાંતોના પાલન માટેની ચેતવણી સરકારે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સને આપી છે. સાથે જ એવું પણ દર્શાવ્યું છે કે સરકારની પૂરી નજર શું ચાલી રહ્યું છે તેના પર છે. જો નિયમ પાલન નહીં થાય તો સરકાર આ કંપનીઓ માટે મુશ્કેલીઓ ખડી કરી શકે છે.
આ ચેતવણીઓને પ્લેટફોર્મના સંચાલકો ગંભીરતાથી લેશે તો એવું થવાની શક્યતા વધી રહી છે કે સોશ્યલ મીડિયામાં નિયંત્રણો વધશે અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય પર અસરો થશે. આ નિયમો સામે કદાવર સોશ્યલ મીડિયા કંપનીઓનો શું પ્રતિસાદ આવે છે તે જોવાનું રહે છે. ઓસ્ટ્રેલિયામાં સરકારે નિયમો લાગુ કરવાની કોશિશ કરી ત્યારે ફેસબૂક જેવી કંપનીઓએ તે દેશમાંથી કામકાજ સમેટી લેવાનું જ નક્કી કર્યું હતું. ભારતમાંથી આ કંપનીઓને અઢળક કમાણી થઈ રહી છે ત્યારે શું કામકાજ સમેટી લેવાની હિંમત કરશે ખરી તે જોવાનું રહે છે.
-કે. પ્રવીણ કુમાર
આ પણ વાંચો: Covid-19 – સ્વયંસંચાલીત સાધનોથી નોકરીઓને થતુ જોખમ