નવસારી : કોરોના મહામારી વચ્ચે અનલોક-5ની ગાઇડલાઇન હેઠળ પ્રવાસન સ્થળો ખુલતા જ દમણના દેવકા બીચ પર ફરવા આવેલા અંકલેશ્વરના દંપતી સાથે ઝઘડો કરી, બે અજાણ્યા લૂટારૂઓએ ગળે ચાકુ મૂકીને મોબાઈલ ફોન, બે તોલા સોનાનું મંગળસૂત્ર અને રોકડા રૂપિયાની લૂટ ચલાવી ફરાર થાય હતા. આ લૂંટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.
દમણથી લાલ રંગની મોપેડ પાર ભાંગેલા લૂટારૂઓએ હાઇવેથી નવસારીના આંતરિક રસ્તેથી ચીખલી અને ગણદેવી તાલુકામાં પણ ફિલ્મી ઢબે વાહનચાલકોને આંતરી હજારોની લૂંટ ચલાવી ફરાર થાય હતા. સમગ્ર ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસે ગુનો નોંધી લૂટારૂઓ જે રસ્તેથી પસાર થયા હતા, ત્યાંના CCTV ફૂટેજ મેળવી, જિલ્લામાં નાકાબંધી કરી હતી. પરંતુ લૂટારૂઓ પોલીસને ચકમો આપીને નાસી છૂટ્યા હતા.
આ ત્રણેય લૂંટની ઘટના દમણની લૂંટની ઘટનાને મળતી આવતી હોવાથી તપાસ નવસારી LCBને સોંપવામાં હતી. પોલીસે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી અમદાવાદના દાણીલીમડા ખાતે રહેતા મહંમદ હુસેન પઠાણ અને મહંમદ ઇલ્યાસ અન્સારીની ધરપકડ કરી હતી. આ સાથે જ તેમની પાસેથી બે રેમ્બો ચાકુ પણ કબ્જે કર્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં બન્ને લૂટારૂઓ રીઢા ગુનેગાર અને જેલમાંથી છૂટ્યા હોવાનું સામે આવ્યું છે.
આ બન્ને આરોપીઓએ 3થી 5 ઓક્ટોબર એટલે કે, 3 દિવસોમાં જ અમદાવાદ શહેરમાં 2, ખેડામાં 1, વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં 1, સેલવાસમાં 1, દમણમાં 2 અને નવસારીમાં 3 લૂટ સહિત કુલ 10 લૂંટને અંજામ આપ્યો હોવાનું તેમજ એક મોપેડ પણ ચોરી કર્યું હોવાનું કબૂલ્યું હતું. પોલીસે આરોપીઓને નવસારી કોર્ટમાં રજૂ કરી 14 ઓક્ટોબર સુધીના રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.