દિવાળીના સમયે સુરત પોલીસ દ્વારા પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવ્યું છે. પરંતુ પોલીસ પેટ્રોલિંગના ધજાગરા ઉડાવતી એક ઘટના શહેરમાં બની છે. લોકોની ભારે અવર- જવર અને સાંજનાં આઠ થી નવ વાગ્યાના સમય દરમિયાન પુનાગામ અર્ચના સ્કૂલ નજીક આવેલી જ્વેલર્સની દુકાનમાં લૂંટારાઓએ લાખોની લૂંટ કરી હતી. પુનાગામ ખાતે સિલ્વર હાઇટ્સના ગ્રાઉન્ડ ફ્લોરના ભાગે વિધાતા જ્વેલર્સ નામની દુકાનમાં આ લૂંટ થઈ હતી. દુકાનમાં ઘુસી આવેલા છ જેટલા શખ્સોએ બંદૂકની અણીએ માલીક બંધક બનાવી આ લૂંટને અંજામ આપ્યો હતો.
દુકાનમાં પ્રવેશેલા બે હેલ્મેટધારી અને ત્રણ મોઢે રૂમાલ બાંધીને આવેલા શખ્સોએ સોનાનાં ઘરેણાં કોથળામાં ભરી બાદ ફરાર થઈ ગયા હતા. છ પૈકીના ત્રણ હેલ્મેટધારી લૂંટારાઓ વેપારીને પકડી રાખ્યો હતો અને મોઢે રૂમાલ બાંધીને આવેલા લૂંટારાઓએ સોનાના ઘરેણાં કોથળામાં નાખવાનું કામ કર્યું હતું. લૂંટની ઘટનાને અંજામ આપ્યા બાદ તમામ આરોપીઓ ગણતરીના સમયમાં ગાયબ થઈ ગયા હતા. ઘટનાની જાણકારી મળતા પુનાગામ પોલીસ સહિત સુરત ક્રાઇમ,PCB, SOG, તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને આગળની તપાસ શરૂ કરી હતી. પોલીસે દુકાનમાં લાગેલા CCTV ફૂટેજના આધારે આરોપીઓનું પગેરું મેળવવાની તજવીજ હાથ ધરી હતી.