પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટ હથિયારના કેસમાં નામ ખૂલતાં આરોપીને માર નહીં મારવા તેમજ પૂછપરછ નહીં કરવા બદલ DYSP જે.એમ. ભરવાડ અને કોન્સ્ટેબલ વિશાલ સોનારાએ રૂ.10 લાખની લાંચ માગી હતી અને રૂ. 8 લાખમાં સેટલમેન્ટ થયું હતું.
શનિવારે કોન્સ્ટેબલે ધોરાજી રાજકોટ-પોરબંદર હાઇવે આવકાર રેસ્ટોરન્ટ આગળ જાહેર જગ્યામાં જઇ રૂ.8 લાખ સ્વીકારતાં જ અમદાવાદ ACBની ટીમે તેને ઝડપી લીધો હતો. લાંચ નહીં આપવા માટે આરોપીના મિત્રોએ અમદાવાદ ACBને રૂબરૂ સંપર્ક કરતા અમદાવાદ શહેર ACBના PI વી.એ.દેસાઇ સહિતની ટીમે છટકું ગોઠવ્યું હતું અને અગાઉ નક્કી થયા મુજબ આરોપીનો મિત્ર શનિવારે ધોરાજી લાંચના રૂ.8 લાખ લઇ રેસ્ટોરન્ટ પાસે પહોંચ્યો હતો.
વિશાલ સોનારાએ યુવક પાસેથી લાંચના રૂ.8 લાખ સ્વીકાર્યા હતા. લાંચની રકમ લીધા બાદ કોન્સ્ટેબલ વિશાલ સોનારાએ DYSP ભરવાડને ફોન કર્યો હતો અને લાંચની રકમ મળી ગયાની જાણ કરી હતી. એટલું જ નહીં આરોપીના મિત્ર સાથે રકમ મળી ગયા અંગેની વાત પણ કરાવી હતી. DYSPનો ફોન પૂરો થતાં જ ACBની ટીમ ત્રાટકી હતી અને વિશાલ સોનારાને લાંચના રોકડા રૂ.8 લાખ સાથે ઝડપી લીધો હતો.