સુરતઃ શહેરના સચિન પોલીસ સ્ટેશનમાં ગત દિવસો દરમિયાન મોટર સાયકલ ચોરીનો ગુનો નોંધાયો હતો. આ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને જિલ્લાની પલસાણા પોલીસે પલસાણા ચાર રસ્તા પાસેથી ઝડપી લીધો છે. પોલીસે આરોપી પાસેથી રૂપિયા 30,000ની ચોરીની મોટર સાયકલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.
પલસાણા પોલીસ શનિવારના રોજ પલસાણા ચાર રસ્તા વિસ્તારમાં વાહન ચેકિંગ કરી રહી હતી. આ દરમિયાન મોટર સાયકલ પર એક શંકાસ્પદ ઈસમ આવતા તેને રોકી મોટર સાયકલ નંબર ઇ-ગુજકોપ મોબાઈલ એપમાં સર્ચ કરતાં આ મોટર સાયકલ ચોરીની હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે મોટર સાયકલ ચાલક હિંમતસિંહ ગીરાસેની ધરપકડ કરી હતી.
ધરપકડ બાદ પૂછપરછ કરતાં આરોપીએ આ મોટર સાયકલ સચિન પોલીસ સ્ટેશનની હદમાંથી ચોરી હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે સચિન પોલીસને આરોપીનો કબજો સોંપી આગળની તપાસ હાથ ધરી છે.