- મહિલા PSIએ 7 વાહન ચોરીનો ભેદ ઉકેલ્યો
- ચોરીના તમામ વાહનો પણ કબજે કર્યા
- સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીને ઝડપી લીધો
- કેવી રીતે ઉકેલ્યો ચોરીનો ભેદ?
અમદાવાદઃ શહેરના ખોખરા વિસ્તારમાં બુલેટ ચોરી થયું હતું. જે બાદ ખોખરા પોલીસ સ્ટેશનના મહિલા PSI આર.એન. ચુડાસમા અને તેમની ટીમે તપાસ હાથ ધરી હતી. જે જગ્યાએથી બુલેટ ચોરી થયું હતું તે જગ્યાના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં ચોરી કરનાર શખ્સ દેખાતો હતો,પરંતુ તેનો ચહેરો સ્પષ્ટ થતું નહોતું. જેથી પોલીસે એક બાદ એક અનેક સીસીટીવી ફૂટેજ તપાસ્યાં તેની મદદથી આરોપીના રહેણાંક વિસ્તાર સુધી પોલીસ પહોચી હતી.
- કેવી રીતે આરોપી સુધી પહોચી પોલીસ?
PSI ચુડાસમા અને તેમની ટીમ ચોરના રહેણાંક વિસ્તાર સુધી પહોચી હતી. ત્યારે પોલીસને બાતમી મળી હતી કે, આરોપી વટવા પાસેથી પસાર થવાનો છે. ત્યારે પોલીસ વટવા પાસે તેની અટકાયત કરી હતી અને તેની પાસેના બુલેટનો નંબર ઈ-ગુજ્કોપ એપમાં નાખ્યો હતો જેથી બુલેટ ચોરીનું હોવાનું જાણવા મળ્યું હતું.
- ચોરીના તમામ વાહન આરોપીના ઘર પાસેથી કબજે કર્યા
આરોપીની અટકાયત બાદ તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આરોપી ખોખરા ઉપરાંત નારોલ,શાહપુર,ઇસનપુર,મણીનગર અને વટવામાં અલગ અલગ વાહનોની ચોરી કરી ચૂક્યો છે અને ચોરીના તમામ વાહનો તેના ઘર પાસે રાખતો હતો. આરોપી જયારે ચોરી કરવા જતો ત્યારે અગાઉ ચોરી કરેલ વાહન લઈને જતો હતો અને તે જગ્યાએ જૂનું વાહન જે અલગ સ્થળથી ચોરી કર્યું હોય તે મૂકી નવું વાહન ચોરી કરીને ઘરે મૂકી દેતો હતો. બાદમાં ચાલતો આવીને જુનું વાહન પણ લઈને જતો હતો.
- ચોરી કરવા પાછળનું કારણ શું?
પોલીસે આરોપીની પૂછપરછ કરી તેમાં જાણવા મળ્યું હતું કે આરોપી છૂટક દરજી કામ કરતો હતો. પરંતુ છેલ્લા કેટલાક સમયથી કામ ન હોવાને કારણે તેને વાહન ચોરી કરવાનું નક્કી કર્યું અને દોઢ મહિનામાં 7 વાહનો ચોરી કર્યા હતાં. ચોરી કરેલ વાહન તે વેચવાનો પણ હતો પરંતુ હજુ સુધી તેને કોઈ ખરીદનાર મળ્યું નહોતું.આરોપી અગાઉ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલ નથી, પરંતુ પોલીસે આરોપીની વધુ તપાસ હાથ ધરી છે.