- ઝાલોદના કોર્પોરેટરની હત્યાનો ભેદ ઉકેલાયો
- રાજકીય અદાવતમાં થઈ હતી હત્યા
- કોંગ્રેસના MLAના ભાઈએ કરાવી હત્યા
- હત્યાને અકસ્માત સાબિત કરવા પ્રયત્ન
અમદાવાદઃ ગત સપ્ટેમ્બર માસમાં ઝાલોદના કોર્પોરેટર હીરેન પટેલનું અકસ્માતમાં મોત થયું હતું. જે ખરેખરમાં હત્યા હતી. આ મામલે સ્થાનિક પોલીસ અને અન્ય એજન્સી દ્વારા તપાસ ચાલી રહી હતી. ત્યારે 4 માસ બાદ હત્યાનો ભેદ ગુજરાત ATSએ ઉકેલ્યો હતો અને ઇમરાન નામના આરોપીની ધરપકડ કરી હતી. જે બાદ અનેક ચોંકાવનારા ખુલાસા પણ થયા છે.
આરોપીની પૂછપરછમાં શું સામે આવ્યું?
ATSની તપાસમાં જાણવા મળ્યું હતું કે, ઇમરાને કોંગ્રેસના ધારાસભ્ય ભાવેશ કટારાના ભાઈ અમિત કટારાના કહેવાથી હીરેન પટેલની હત્યાને અંજામ આપ્યો હતો. અમિત અને ઇમરાન એકબીજાથી પરિચિત હતા. જેથી અમિતે ઈમરાનને સોપારી આપી હતી. ઇમરાને આ કામ કરવા ગોધરાકાંડના આરોપી ઇરફાનને સોપારી આપી હતી. ઈરફાન તે સમયે પેરોલ પર જેલમાંથી બહાર હતો અને હત્યાને અંજામ આપ્યો હતો.
શા માટે હત્યા થઈ?
ATS ની તપાસમાં એ પણ સામે આવ્યું હતું કે, હીરેન પટેલે ઝાલોદની નગરપાલિકાની આખી બોડી કોંગ્રેસની હતી, તે બદલી નાખી હતી. જેથી રાજકીય અદાવત રાખીને અમિતે હીરેન પટેલની હત્યા કરાવી હતી. આ મામલે અન્ય કોઈ રાજકીય નેતાની સંડોવણી છે કે, કેમ તે અંગે પણ પોલીસ તપાસ કરશે. હાલ ATS એ આરોપીને દાહોદ પોલીસને સોંપ્યો છે અને દાહોદ પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. હત્યાનો ભેદ ઉકેલાતા રાજકારણ પણ ગરમાયું છે.