ગાઝાઃ ગાઝાનું સરકારી મીડિયા કાર્યાલય જણાવે છે કે 7 ઓક્ટોબરે ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરુ થયું હતું. આ યુદ્ધમાં અત્યાર સુધી ગાઝા સ્ટ્રીપ વિસ્તારમાં 13,000થી વધુ પેલેસ્ટાઈન નાગરિકોના મૃત્યુ થયા છે. મીડિયા ઓફિસના ડાયરેક્ટર જનરલ ઈસ્માઈલ અલ થવાબ્તાએ ઉમેર્યુ કે, મૃતકોમાં 5,500 મહિલાઓ અને 3,500 બાળકોનો સમાવેશ થાય છે. જ્યારે 30,000થી વધુ નાગરિકો ઘાયલ થયા છે.
સિન્હુઆ સમાચાર એજન્સીના રિપોર્ટ અનુસાર, અલ-થવાબ્તાએ જણાવ્યું કે લાપતા થયેલા લોકોની સંખ્યા 6,000થી વધુ છે. જેમાં 4,000 બાળકો અને મહિલાઓ છે. જે હજુ પણ ઈઝરાયલી હુમલામાં નષ્ટ થયેલ ઈમારતોના કાટમાળમાં દટાયેલા છે. 7 ઓક્ટોબરે દક્ષિણ ઈઝરાયલ પર હમાસે અચાનક કરેલા હુમલાનો બદલો વાળવા ઈઝરાયલ ગાઝા પર સતત હુમલા કરી રહ્યું છે. હમાસે કરેલ અચાનક હુમલામાં 1,200 ઈઝરાયલી નાગરિકોની હત્યા કરી દીધી હતી. જ્યારે 200થી વધુ લોકોને બંધક બનાવી લીધા હતા.
આ વચ્ચે, ઈઝરાયલ ફોર્સે રવિવારે જાહેરાત કરી કે ઈઝરાયલી સૈનિકોએ ઉત્તરી ગાઝામાં 35 ટનલ શાફ્ટ્સ અને અનેક હથિયાર કબ્જે કર્યા હતા. ગાઝાના હાઈફાઈ એરિયા રિમલ અને શેખ એજાલિન વિસ્તારોમાં હમાસ અધિકારીઓના ઘરે છાપા મારીને ઈઝરાયલે શાફ્ટ અને ટનલને શોધી કાઢી હતી. આ લડાઈમાં કથિત રીતે હમાસના અનેક આતંકવાદી માર્યા ગયા છે.
ઈઝરાયલ સેનાએ હમાસના મિલિટરી કેમ્પ પર છાપામારી કરી હતી. જ્યાં એમ્યુનિશન ડેપો અને સાત રોકેટ લોન્ચર મળી આવ્યા હતા. રવિવાર સવારથી ઈઝરાયલ સૈનિકો જબાલિયાના બાહરી વિસ્તારોમાં હમાસ આતંકવાદીઓ સાથે અથડામણમાં વ્યસ્ત છે. આઈડીએફ અનુસાર એક રહેણાંક ઈમારાતની છત પરથી સૈનિકો પર ગોળીબાર કરવાની તૈયારી કરતા એક આતંકવાદી જૂથને એર સ્ટ્રાઈકથી નષ્ટ કરવામાં આવ્યું છે.