ઈસ્લામાબાદઃ સોમવારે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં ઈમરાન ખાનની 3 વર્ષ કેદની સજાને રદ કરતી અરજી પર સુનાવણી થશે. તોષાખાના ભ્રષ્ટાચાર કેસમાં ઈસ્લામાબાદ કોર્ટે તહરીક-એ-ઈન્સાફના 70 વર્ષીય ચેરમેન ઈમરાન ખાનને આ સજા ફટકારી હતી.
ધ ડોન અખબારનો રિપોર્ટઃ ઈમરાન પર 2018થી 2022 દરમિયાન વડાપ્રધાન પદ પર નિયુક્તિ દરમિયાન પોતાને અને પોતાના કુટુંબને મળેલી સ્ટેટ ગિફ્ટ્સને ગેરકાયદેસર રીતે વેચી મારવાનો આરોપ છે. ઈમરાન ખાનને પાંચ વર્ષ માટે રાજકીય ક્ષેત્રેથી દૂર રહેવાની સજા મળી હતી જેનાથી તે આવનારી ચૂંટણીમાં ભાગ ન લઈ શકે. ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં ઈમરાનની ટ્રાયલ કોર્ટમાં મળેલી સજાને રદ કરતી અરજી પર સુનાવણી ચાલી રહી છે. ધ ડોન અખબારના રિપોર્ટ અનુસાર મુખ્ય ન્યાયાધિશે આ સુનાવણીનો અંતિમ તબક્કો સોમવારે મુલત્વી રાખ્યો છે. ગયા અઠવાડિયે, પાકિસ્તાન સુપ્રીમે ઈમરાન ખાનની સજામાં કેટલીક ખામીઓ હોવાનું અવલોકન કર્યુ હતું. સુપ્રીમે આ મામલે ઈસ્લામાબાદ હાઈકોર્ટના નિર્ણયની પ્રતિક્ષા કરવાનું નક્કી કર્યું હતું. ગયા વર્ષે આ જ કસમાં પાકિસ્તાનના ચૂંટણી પંચે ઈમરાન ખાનને દોષી ગણાવ્યા હતા.
ઈમરાન ખાનને થઈ હતી 3 વર્ષની કેદઃ ઈસ્લામાબાદ સેસન્સ કોર્ટમાં આ કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ હુમાયુ દિલાવરે 5 ઓગસ્ટના રોજ સરકારી ભેટના વેચાણમાં છેતરપીંડી બદલ 3 વર્ષની સજા ફટકારી હતી. ત્યારબાદ ઈમરાન ખાને ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં આ સજાને રદ કરવાની અરજી કરી છે. હાઈકોર્ટમાં 22 ઓગસ્ટે પ્રારંભિક સુનાવણી હાથ ધરાઈ હતી જેમાં વકીલે 24 ઓગસ્ટ સુધીની તારીખ માંગી હતી. ઈસ્લામાબાદ હાઈકોર્ટના ન્યાયાધિશ ઓમર ફારુકે સોમવારે વકીલ પરવેઝની ગેરહાજરી ટાંકીને સોમવારે હાજર રહેવા જણાવ્યું છે. સોમવારે તેઓ હાજર નહીં રહે તો હાઈકોર્ટ આ કેસ પર નિર્ણય કરશે.
તોષાખાના ભ્રષ્ટાચાર કેસની વિગતોઃ 2022માં આ કેસ સીટીંગ એમએલએઝ દ્વાર પાકિસ્તાનના ચૂંટણી પંચમાં દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં ઈમરાન પર મળેલ ભેટની વેચાણ કિંમતમાં ગરબડ કરવાનો આરોપ લગાવો હતો. ચૂંટણી પંચે ઈમરાનને દોષી ગણી ચૂંટણી લડવા પર પ્રતિબંધ ફરમાવ્યો. ત્યારબાદ સેશન્સ કોર્ટમાં ઈમરાન વિરૂદ્ધ ક્રિમિનલ કેસ દાખલ કરાયો હતો. સેશન્સ કોર્ટે પણ ઈમરાનને દોષી ઠેરવી 3 વર્ષની સજા ફટકારી હતી. ઈમરાનની ધરપકડમાં લાહોર ખાતેથી કરવામાં આવી હતી. અત્યારે ઈમરાન એટોક જેલમાં કેદ છે. તોષાખાનામાં સરકારી અધિકારી, નેતાઓને મળતી ભેટો રાખવામાં આવે છે. ઈમરાન પર આ ભેટો તેના કાર્યકાળ દરમિયાન વેચી મારવાનો અને વેચાણકિંમત ખોટી દર્શાવવાનો આરોપ છે. (પીટીઆઈ)