નવી દિલ્હીઃ શહેરના હૈદરાબાદ હાઉસ ખાતે વડાપ્રધાન મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન વચ્ચે વ્યાપક દ્વિપક્ષીય ચર્ચા થઈ. આ બેઠકમાં વેપાર ઉપરાંત સુરક્ષાક્ષેત્રને સઘન બનાવવાના મુદ્દા પર પણ વિચાર વિમર્શ કરાયો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાઉદી અરેબિયાને સ્ટ્રેટેજિક પાર્ટનર અને વૈશ્વિક સ્થિરતા તેમજ કલ્યાણ માટે મહત્વનું ગણ્યું છે. બંને દેશો બદલાતા સમયમાં નવા આયામો જોડી રહ્યા છે. આજની બેઠકને લીધે આપણા સંબંધોને નવી દિશા અને ઊર્જા મળશે.
ભારત પ્રવાસથી ક્રાઉન પ્રિન્સ ખુશઃ G-20 શિખર સંમેલનની પૂર્ણાહુતિ બાદ બિન સલમાન ભારતના પ્રવાસે છે. બેઠક પહેલા રાષ્ટ્રપતિ ભવનમાં ક્રાઉન પ્રિન્સનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ક્રાઉન પ્રિન્સે જણાવ્યું કે, G-20 શિખર સંમેલનના આયોજન બદલ હું ભારતને શુભેચ્છાઓ પાઠવું છું તેમજ હું ભારતનો મહેમાન બનીને બહુ ખુશ છું.
બે સમિતિની સમીક્ષાઃ ઉલ્લેખનીય છે કે બંને નેતાઓ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ પ્રથમ બેઠકની સહઅધ્યક્ષતા કરશે. વિદેશ મંત્રાલયે રજૂ કરેલી માહિતી અનુસાર વડાપ્રધાન મોદી અને ક્રાઉન પ્રિન્સ બે સમિતિની સમીક્ષા કરશે. આ બે સમિતિમાં રાજકારણ, સુરક્ષા, સામાજિક અને સાંસ્કૃતિક સહયોગ સમિતિ અને રોકાણ સહયોગ સમિતિનો સમાવેશ થાય છે.
G-20થી સમગ્ર વિશ્વને ફાયદોઃ ક્રાઉન પ્રિન્સ G-20 શિખર સંમેલનમાં કરવામાં આવેલી જાહેરાતોથી બહુ પ્રભાવિત છે. તેમણે આ જાહેરાતોથી સમગ્ર વિશ્વને ઘણો ફાયદો થશે તેમ જણાવ્યું. બંને દેશો સોનેરી ભવિષ્યના નિર્માણ માટે સાથે મળીને કામ કરશે. સાઉદી અરબ ભારતનું મહત્વનું સ્ટ્રેટેજિક પાર્ટનર છે. બંને દેશો વચ્ચેના સંબંધમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઉલ્લેખનીય વૃદ્ધિ થઈ છે.
સૈન્યવડાનો વિદેશપ્રવાસઃ ડિસેમ્બર 2020માં તત્કાલીન સેના પ્રમુખ જનરલ એમ.એમ. નરવણેએ સાઉદી અરબનો પ્રવાસ ખેડ્યો હતો. જે 13 લાખથી વધુ સૈનિકો ધરાવતી સેનાના પ્રમુખનો પ્રથમ ખાડી દેશનો પ્રવાસ ગણાય છે. ત્યારબાદ બંને દેશોના સૈન્યવડાઓએ બંને દેશોની અવારનવાર મુલાકાત લીધી છે.