બોગોટા: 1990 ના દાયકા દરમિયાન 190 થી વધુ બાળકોની હત્યાની કબૂલાત કરનાર કોલમ્બિયન સીરીયલ કિલરનું ગુરુવારે હોસ્પિટલમાં મૃત્યું થયું છે. આ અંગે જેલ સત્તાવાળાઓએ જણાવ્યું હતું. 66 વર્ષીય આરોપી લુઈસ આલ્ફ્રેડો ગારાવિટો ઉર્ફે ધ બીસ્ટના નામેથી ઓળખાતો હતો. તેણે 8 થી 16 વર્ષની વયના બાળકોની હત્યા કરી હોવાનું સ્વીકાર્યુ હતું. તેની ક્રૂરતાનો ભોગ બનેલા મોટાભાગના બાળકો શ્રમિક અને ગરીબ પરિવારમાંથી આવતા હતાં. આરોપીએ ક્યારેક સાધુ તો ક્યારેક ભીક્ષુક કે ફેરીયો બનીને આવા બાળકોનું અપહરણ કર્યુ હતું અને તેમને મોતને ઘાટ ઉતાર્યા હતાં.
કોણ હતો લૂઈસ આલ્ફ્રેડો ગારાવીટો: નેશનલ પેનિટેન્શિઅરી એન્ડ પ્રિઝન ઇન્સ્ટિટ્યૂટે આ અંગે જણાવ્યું હતું કે, આરોપી ગારાવિટોનું ઉત્તરીય કોલમ્બિયાના વાલેડુપરની હોસ્પિટલમાં મૃત્યુ થયું છે, જ્યાં તે કેદ હતો. જોકે, તેનું મૃત્યુનું સાચું કારણ તો હાલ જાણવા મળ્યું નથી. ગારાવિટોનો જન્મ 1957 માં કોલમ્બિયન વિભાગના ક્વિન્ડોમાં થયો હતો. પુખ્ત વય સુધીમાં તેણે 11 જેટલાં દેશોમાં ફર્યો અને આ દરમિયાન તેણે સગીરોની કિડનેપ કર્યા અને તેમને મારી નાખ્યા હતાં. જ્યારે પેરેરિયા, અર્મેનિયા અને તુન્જામાંં સગીરો ગુમ થવાના કેસમાં વધારો થયો અને એક સમાન કેસ જણાયા તો પોલીસ અધિકારીઓએ આ મામલે ઉંડાણ પૂર્વકની તપાસ આદરી હતી અને તેનું પગેરું મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
બાળકોની હત્યાની કબુલાત: ગારાવિટોની એપ્રિલ 1999 માં બળાત્કારના પ્રયાસના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે તપાસ કરનાર ન્યાયાધીશે તેને પૂછ્યું કે શું તે 114 બાળકોનો હત્યારો છે, કે જેમના મૃતદેહ વર્ષ 1994ની શરૂઆતમાં 59 કોલમ્બિયન નગરોમાંથી મળી આવ્યાં હતાં. તો સામે ગારાવિટોએ આ ગુનાઓ કબૂલ્યા અને માફી માંગી અને પછી તેણે 190 થી વધુ હત્યાઓની કબૂલાત કરી.
ગુનાની માફી માંગી: તે જ વર્ષે, ગારવિટોએ કોર્ટની સુનાવણીમાં પીડિતોના પરિવારોની માફી માંગી અને કહ્યું કે, 'મેં જે કર્યું છે તેના માટે હું માફી માંગુ છું અને હું કબૂલું છું કે મેં તેમને મારી નાખ્યા હતાં અને માત્ર તેમને જ નહીં, મેં અન્ય બીજા બાળકોને પણ માર્યા છે. તાજેતરના 2021માં ગારાવિટોની જેલમાંથી વહેલી મુક્તિ માનવામાં આવતી હતી, તે પોતાની સજાના પાંચમાંથી ત્રીજા ભાગની સજા ભોગવી ચુક્યો હતો. જ્યારે બીજી તરફ તત્કાલિન પ્રમુખ ઇવન ડ્યુક એ તેમની મુક્તિની સંભાવનાને નકારી કાઢી હતી અને ખાતરી આપી હતી કે જ્યાં સુધી તેમની સરકાર રહેશે તે દરમિયાન તેને જેલમાં જ રહેવું પડશે.