બ્રાઝિલ: બ્રાઝિલમાં રાજધાની રિયો ડી જાનેરો સહિત સમગ્ર દેશના મહાનગરમાં જોરદાર કાર્નિવલ શરૂ થઈ ગયો છે. જેની ઉજવણીમાં ભાગ લેવા માટે દેશ વિદેશથી લોકો બ્રાઝિલમાં આવે છે. કોસ્ચ્યુમથી લઈને કટઆઉટ સુધી એટલી શાનદાર ઉજવણી હોય છે કે, જાણે કોઈ અલગ દુનિયામાં આવ્યા હોય એવો ભાસ થાય છે. બ્રાઝિલના દેશવાસીઓ માટે આ કાર્નિવલ એક આનંદ અને ઉમંગનો પ્રસંગ છે.

કાર્નિવલનું મેગા સેલિબ્રેશન: લોકો આ કાર્નિવલને માણી શકે અને જોઈ શકે એ માટે શહેરમાં મોટા સ્ક્રિન લગાવવામાં આવે છે. એક અઠવાડિયા સુધી આ કાર્નિવલનું મેગા સેલિબ્રેશન થાય છે. વર્ષ 2021માં કોરોના વાયરસને કારણે આ કાર્નિવલ રદ્દ કરી દેવામાં આવ્યો હતો. ગત વર્ષે પણ મર્યાદિત લોકોને એન્ટ્રી આપીને ઉજાણી કરાઈ હતી. પણ આ વખતે કોઈ રોગચાળો ન હોવાને કારણે બ્રાઝિલના દેશવાસીઓને મન મૂકીને આનંદ કરવાનો ચાન્સ મળ્યો છે.

કાર્નિવલમાં 7 લાખથી વધું ડાન્સર: આ કાર્નિવલમાં આ વખતે સાત લાખથી વધારે ડાન્સર અને કલાકારો મેદાનમાં ઊતર્યા છે. આકર્ષક ટેબ્લો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં જુદી જુદી થીમ ફોલો કરવામાં આવી છે. અહીં રાત્રી દરમિયાન કરવામાં આવતું પર્ફોમન્સ ખરા અર્થમાં ઝનૂન ચડાવી દે અને તોફાન મચાવી દે એવું હોય છે. ખાસ કરીને સાંબા સ્કૂલના ડાન્સરની વાત કરવામાં આવે તો આખા કાર્નિવલમાં તેઓ છવાય જાય છે. દેશ વિદેશના લોકો આ પર્ફોમન્સ જોવા માટે આતુરતાથી રાહ જોતા હોય છે.

પ્રખ્યાત સાંબા ડાન્સ: સાંબા ડાન્સ દુનિયાભરમાં જાણીતો છે. આ ડાન્સને કારણે સમગ્ર બ્રાઝિલમાં જુદી જુદા સાંબા ડાન્સ સ્કૂલ ખોલવામાં આવી છે જેથી નવા કલાકારોને આ કાર્નિવલમાં ચાન્સ મળી રહે. આ કાર્નિવલની સાથે એક ખાસ કોસ્ચ્યુમ પરેડ પણ યોજાય છે. ભપકેદાર ડ્રેસ અને અનોખી કહી શકાય એવી પાંખ લગાવીને કલાકારો પર્ફોમ કરે છે. આ ઉપરાંત ચહેરા ઉપર પણ એક માસ્ક પહેરવામાં આવે છે. એક અઠવાડિયા સુધી આ કાર્નિવલ ચાલે છે.

કાર્નિવલ પરેડ ફેમસ: સમગ્ર બ્રાઝિલના જુદા જુદા શહેરમાં દરરોજ નવા નવા કાર્યક્રમ થાય છે. દુનિયાના કોઈ પણ દેશના સેલિબ્રેશનને ઝાંખી પાડી દે એવી આ કાર્નિવલ પરેડ હોય છે. આ કાર્નિવલને દુનિયાનો સૌથી મોટો કાર્નિવલ માનવામાં આવે છે. આ એક ફેસ્ટિવલને કારણે બ્રાઝિલની સરકાર તેમજ પ્રવાસન વિભાગને મોટો આર્થિક લાભ થાય છે. આ ઉપરાંત હોટેલ્સ અને ટુરિઝમ સંબંધીત બિઝનેસમાં પણ તેજી આવે છે.

કાર્નિવલમાં ધમાકેદાર પર્ફોર્મન્સ: આ વર્ષે 1 લાખથી વધારે પ્રવાસીઓ બ્રાઝિલમાં આવે એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત આ કાર્નિવલના દિવસ દરમિયાન એક મડ પરેડ પણ યોજાય છે. જેમાં લોકો એકબીજાને કાદવ કિચડ લગાવીને સેલિબ્રેશન કરે છે. જેને યુનિડોઝ ડો બારો પ્રેટો બ્લોક પરેડ તરીકે ઓળખવામાં આવે છે. કાર્નિવલમાં એવું ધમાકેદાર પર્ફોમન્સ કરવામાં આવે છે કે, પ્રવાસીઓ એને ક્યારેય ભૂલી શકતા નથી. ખાવા-પીવાની વ્યવસ્થાથી લઈને કાર્નિવલમાં અંદર જવા સુધીની તમામ વસ્તુઓનું ખાસ મેનેજમેનન્ટ કરવામાં આવે છે. એક મહિના પહેલા જ આ ફેસ્ટિવલની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે. ફટાકડાથી લઈને ફાયર શૉ સુધીના કાર્યક્રમ થાય છે.

કાર્નિવલ ટિકિટ ડિસ્કાઉન્ટ: આફ્રિકા અને એશિયામાંથી ઘણા પર્ફોમર અહીં આવીને પર્ફોમ કરે છે. આ સમગ્ર પરેડ કે કાર્નિવલ જોવા માટે ટિકિટ લેવી પડે છે. આખા અઠવાડિયાની ટિકિટ કરાવો તો ડિસ્કાઉન્ટ પણ મળી રહે છે. જ્યારે અહીંના કલાકારો સાથે પર્ફોમ કરવા માટે ખાસ મંજૂરી લેવી પડે છે. પણ પરેડના જુદા જુદા પર્ફોમન્સ માટે અલગ અલગ લોકેશન નક્કી કરેલા હોય છે. જેનો આખો શેડ્યુલ ટિકિટ સાથે આપી દેવામાં આવતો હોય છે.