- તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો છે
- અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિના નિવાસસ્થાન પાસે બે શક્તિશાળી વિસ્ફોટ થયાના અહેવાલ છે
- કાબુલ એરપોર્ટ સહિત કાબુલમાં સુરક્ષાની સ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે
કાબુલ: તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો છે. આ દરમિયાન, રવિવારે મોડી રાત્રે રાજધાની કાબુલમાં અમેરિકી દૂતાવાસ અને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિના નિવાસસ્થાન પાસે બે શક્તિશાળી વિસ્ફોટ થયાના અહેવાલ છે. આ વિસ્ફોટોના કારણે, અમેરિકી દૂતાવાસને કાબુલ એરપોર્ટ પર સ્થાનાંતરિત રાજનયિક સ્ટાફ સાથે ખાલી કરવામાં આવ્યો છે. અમેરિકી દૂતાવાસે સુરક્ષા ચેતવણી જારી કરી છે અને કહ્યું છે કે, કાબુલ એરપોર્ટ સહિત કાબુલમાં સુરક્ષાની સ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે.
આ પણ વાંચો- અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે બોલ્યા ડોનાલ્ડ ટ્રમ્પ, કહ્યું- આ સ્થિતિ માટે રાષ્ટ્રપતિ Joe Biden જવાબદાર
જેલમાં રહેલા કેદીઓ શહેરની પૂર્વ બાજુની મુખ્ય જેલમાંથી બહાર આવ્યા
કાબુલમાં રવિવારે ડર ફેલાઇ ગયો હતો કારણ કે, તાલિબાન લડવૈયાઓએ શહેરમાં પ્રવેશ કર્યો હતો. જેલમાં રહેલા કેદીઓ શહેરની પૂર્વ બાજુની મુખ્ય જેલમાંથી બહાર આવ્યા. ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલ મુજબ, રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને જવાથી અને તાલિબાનની રાજધાનીમાં પ્રવેશ કરવાથી અફઘાનિસ્તાનની સરકાર પડી ગઇ છે.
સંકલન પરિષદની રચના કરાઇ
આ દરમિયાન અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝઇએ અબ્દુલ્લા અબ્દુલ્લા અને મુજાહિદ્દીનના પૂર્વ નેતા ગુલબુદ્દીન હિકમતયાર સાથે મળીને અરાજકતા અટકાવવા અને સત્તાના શાંતિપૂર્ણ હસ્તાંતરણ સંબંધિત બાબતોનું સંચાલન કરવા માટે એક સંકલન પરિષદની રચના કરી છે.
તાલિબાન લડવૈયાઓને રાજધાની કાબુલમાં દાખલ થવા માટે કહેવાયુ
તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લા મુજાહિદે રવિવારે જણાવ્યું હતું કે, તાલિબાન લડવૈયાઓને રાજધાની કાબુલમાં દાખલ થવા માટે કહેવામાં આવ્યું છે. તે જ સમયે તાલિબાનના પ્રવક્તાએ ટોલો ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુમાં પણ કહ્યું હતું કે, શહેરમાં સુરક્ષાની સ્થિતિ નિયંત્રણમાં રહેશે.
આ પણ વાંચો- તાલિબાનોએ હવે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ભવન પર કબજો કર્યો
દેશ છોડવાની તૈયારીમાં ગભરાયેલા લોકો
તાલિબાન તરફથી અનેક ખાતરીઓ છતાં ગભરાયેલા લોકો કાબુલ એરપોર્ટ મારફતે દેશ છોડવાની તૈયારી કરી રહ્યા છે. દરેક સરહદી ચોકી પર તાલિબાનોનો કબજો હોવાથી, દેશમાંથી બહાર નીકળવાનો આ એકમાત્ર રસ્તો છે. અફઘાનિસ્તાનના જે ભાગમાં તાલિબાનોએ કબજો જમાવ્યો છે, ત્યાં મહિલાઓના તમામ અધિકારો છીનવી લેવામાં આવ્યા છે. તાલિબાની આતંકી મહિલાઓ અને છોકરીઓને બળજબરીથી ઉપાડીને તેમની સાથે લગ્ન કરી રહ્યા હોવાના અહેવાલો પણ છે.