- વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા બે દિવસીય રશિયાના પ્રવાસે
- દ્વિપક્ષીય સંબંધો અને પરસ્પર હિત જેવા મુદ્દાઓ પર કરાઈ ચર્ચા
- દ્વિપક્ષીય શિખર સંમેલનની બેઠક અંગે કરવામાં આવી સમીક્ષા
મોસ્કોઃ વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા આ વર્ષે પોતાની પહેલી વિદેશ યાત્રાએ રશિયાના મોસ્કો પહોંચ્યા છે. અહીં તેમણે રશિયાના રાજદ્વારીઓ સાથે દ્વિપક્ષીય સંબંધ અને પરસ્પર હિતના મુદ્દાઓ અંગે બેઠક કરી હતી. આ સાથે જ વિદેશ પ્રધાન એસ. જયશંકર તરફથી શુભેચ્છા પણ પાઠવી હતી.
રશિયા સાથેની બેઠક મહત્ત્વપૂર્ણ અને સાર્થક રહીઃ વિદેશ સચિવ
ભારતીય દૂતાવાસે આ અંગે ટ્વિટ કરી જણાવ્યું કે, તેમણે ભારત અને રશિયા વચ્ચેની વિશેષ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ અને મજબૂત કરવાના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. વિદેશ સચિવે જણાવ્યું કે, રશિયાના નેતૃત્વ સાથે તેમની સાર્થક ચર્ચા થઈ. આની પહેલા વિદેશ સચિવે રશિયાના નાયબ વિદેશ પ્રધાન ઈગોર મોર્ગુલોવ સાથે પણ દ્વિપક્ષીય સંબંધો, બહુપક્ષીય મંચ પર સહયોગ અને પરસ્પર હિતના ક્ષેત્રિય અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરી હતી. શ્રૃંગલા અને મોર્ગુલાવે વાર્ષિક દ્વિપક્ષીય શિખર સંમેલન સહિત આગામી ઉચ્ચસ્તરીય બેઠકોની તૈયારીની સમીક્ષા પણ કરી હતી.
વિદેશ સચિવ રશિયાની સંસ્કૃતિની અનુભૂતિ કરશે
મોસ્કો સ્થિત ભારતીય દૂતાવાસે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, ભારત અને રશિયા વચ્ચે મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. આ સાથે જ વિદેશ સચિવને પોતાના પ્રવાસ દરમિયાન બંને દેશના મહત્ત્વના મુદ્દાઓ અને વિચારોનું આદાનપ્રદાન થાય તેવી આશા છે. વિદેશ સચિવે ટ્વિટર પર એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે, મોસ્કો આવીને હું ખૂબ જ ખુશ છું. નવા વર્ષે મારી આ પહેલી યાત્રા છે. વિદેશ સચિવે વધુમાં ઉમેર્યું કે, તેઓ શિક્ષણવિદો અને મીડિયાના લોકોને મળશે તથા રશિયાની સંસ્કૃતિની પણ અનુભૂતિ કરશે.