પેરિસ: કોરોના વાયરસના કારણે વિશ્વના 120 જેટલા દેશો અને પ્રદેશોમાં અત્યાર સુધીમાં 5,043 લોકોના મોત થયા છે. તેમજ 1,34,300 લોકો અસરગ્રસ્ત થયા છે. ગુરૂવારે આ અસરગ્રસ્તોની સંખ્યા વધીને 2,513 થઇ ગઇ છે. તેમજ 35 લોકોના મોત થયા છે. ચીનમાં અત્યાર સુધીમાં 3,176 લોકોના મોત થયા છે, ત્યારે ઇટલીમાં 1,016 અને ઇરાનમાં 514 લોકોના મોત થયા છે.
WHO દ્વારા કોરોનાના ભયને મહામારી જાહેર કરાયા પછી ત્રણ જ દિવસમાં મૃત્યુઆંક 5081 સુધી પહોંચી ચૂક્યો છે. જગતના 5 ખંડના કુલ 114 દેશોમાં પ્રસરી ચૂકેલ આ જીવલેણ વાયરસ બહુ ઝડપભેર વધુ જોખમ ઊભું કરે તેવી શક્યતા છે. ગત 27 ફેબ્રુઆરીએ તેનો પ્રસાર 68 દેશ સુધી મર્યાદિત હતો અને સંક્રમણગ્રસ્ત લોકોની સંખ્યા 82,294 હતી, જ્યારે મૃત્યુ આંક 2,747 હતો. એ પછી જગતના દરેક દેશે તકેદારીના સઘન પગલાંઓ લીધા છતાં પંદર દિવસમાં સંક્રમણગ્રસ્ત લોકોની સંખ્યા 1.37 લાખ થઈ ચૂકી છે જ્યારે મૃતકોની સંખ્યા 5000નો આંક પાર કરી ગઈ છે.
ડિસેમ્બરમાં કોવિડ-19નો પ્રથમ કેસ સામે આવ્યા બાદ 121 દેશોમાં 1,34,300થી વધારે લોકો અસરગ્રસ્ત થયા છે.ઈરાનમાં પણ આ મહામારીને નિયંત્રિત કરવા દેશના સુરક્ષા અધિકારીઓને આગામી 24 કલાકમાં દેશના રસ્તાઓ ખાલી કરવા આદેશ આપવામાં આવ્યો છે. આર્મી ચીફ મેજર જનરલ મોહમ્મદ બગેરીએ શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું કે, કમિશનને શેરીઓ, દુકાનો, રોડ-રસ્તાઓ ખાલી કરવાનો આદેશ આપ્યો છે. જે નિર્ણયને આગામી 24 કલાકમાં અમલ કરવાનો છે.