- અમરૂલ્લાહ સાલેહે અફઘાનમાં રહીને તાલિબાન સામે પડકાર ફેક્યો
- નેશનલ ડિરેક્ટોરેટ ઓફ સિક્યુરિટીના વડા તરીકે આપી હતી સેવા
- સાલેહને પાકિસ્તાનના વિરોધી અને ભારતના સમર્થક મનાઈ રહ્યા છે
ન્યૂઝ ડેસ્કઃ અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ દેશની પરિસ્થિતિ ખૂબ જ કથળી છે. ત્યારે અફઘાનિસ્તાનના અમરૂલ્લાહ સાલેહે પોતાને એક્ટિંગ પ્રેસિડેન્ટ તરીકે જાહેર કર્યા હતા. ત્યારે જાણો કોણ છે અમરૂલ્લાહ અને શા માટે દાવો કરી રહ્યા છે.
અમરૂલ્લાહનો તાલિબાન સામે પડકાર
અફઘાનિસ્તાનમાં તાલિબાનના વધતા વર્ચસ્વ વચ્ચે જ્યારે અશરફ ગની દેશ છોડી ગયા, ત્યારે દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહે દેશમાં રહીને તાલિબાન સામે પડકારનું વલણ અપનાવ્યું.
આ પણ વાંચો: અફઘાનિસ્તાનના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લા સાલેહે પોતાને કાર્યકારી રાષ્ટ્રપતિ જાહેર કર્યા
પાંજશીર ખીણ વિસ્તારના રહેવાસી અમરૂલ્લાહ
અમરૂલ્લાહ સાલેહ પાંજશીર ખીણ વિસ્તારના છે. આ પાંજશીર ખીણ રાજધાની કાબુલ નજીક આવેલી છે. 1980 થી 2021 સુધી તાલિબાનોએ ક્યારેય આ ખીણનો કબજો લીધો નથી. તે ઉત્તરી ગઠબંધનના ભૂતપૂર્વ કમાન્ડર અહેમદ શાહ મસૂદનો ગઢ માનવામાં આવે છે.
અમરૂલ્લાહ અહેમદ શાહ મસૂદનો અનુયાયી
કાબુલમાં તાલિબાનના પ્રવેશ બાદ અમરૂલ્લાહ સાલેહ અહમદ મસૂદ અને સંરક્ષણ પ્રધાન બિસ્મિલ્લાહ ખાન મોહમ્મદી સાથે પંજશીર ગયા હતા. અહેમદ મસૂદ પંજશીરના સૌથી શક્તિશાળી નેતા અહેમદ શાહ મસૂદનો પુત્ર છે. પંજશીર કાબુલથી 150 કિમી ઉત્તરે અફઘાનિસ્તાનનો વિસ્તાર છે, જેને ક્યારેય સોવિયત યુનિયન, કે અફઘાન સેનાએ જીત્યું લીધું નથી. આજે પણ અહીં તાલિબાનનો કબજો નથી. આ સિવાય 34 રાજ્યોમાં હવે તાલિબાનનું શાસન છે. અમરૂલ્લાહ આજે પણ પોતાને અહેમદ શાહ મસૂદનો અનુયાયી કહે છે.
આતંકવાદી હુમલા બાદ ગુપ્તચર ચીફનું પદ છોડ્યું
9/11 હુમલા બાદ જ્યારે અમેરિકા અફઘાનિસ્તાન પાસે આવ્યું, ત્યારે સાલેહ CIAની નજીક બની ગયો. અમરૂલ્લાહ સાલેહે તાલિબાનને હાંકી કાઢવા માટે ઉત્તરી જોડાણ વતી અનેક લડાઇઓનું નેતૃત્વ કર્યું હતું. રાજકારણમાં આવતા પહેલા અમરુલ્લાહ અફઘાન ગુપ્તચર એજન્સી નેશનલ ડિરેક્ટોરેટ ઓફ સિક્યુરિટી (NDS) ના વડા હતા. આ ગુપ્તચર એજન્સી 2004 માં બનાવવામાં આવી હતી. સાલેહે પોતાના જાસૂસોનું આવું નેટવર્ક બનાવ્યું, જે તાલિબાન અને ISIની ગતિવિધિઓ પર નજર રાખતા હતા. સાલેહના નેટવર્કથી અમેરિકા અને CIA ને ઘણો ફાયદો થયો. 6 જૂન 2010 ના રોજ સાલેહે આતંકવાદી હુમલા બાદ NDSમાંથી રાજીનામું આપ્યું હતું.
જનરલ મુશર્રફને પણ સણસણતો જવાબ આપ્યો
અહેવાલો અનુસાર, તાલિબાનના મુદ્દે પાકિસ્તાનમાં ગુપ્તચર અને અધિકારીઓની બેઠક ચાલી રહી હતી. પરવેઝ મુશર્રફ પણ તેમાં શામેલ હતા, ત્યારબાદ ઓસામા બિન લાદેનને છુપાવવાનો મુદ્દો ઉભો થયો હતો. NDS ના વડા તરીકે અમરૂલ્લા સાલેહે કહ્યું કે, લાદેન પાકિસ્તાનમાં છુપાયો છે. આ સાંભળીને મુશર્રફે સભા છોડી દીધી. બાદમાં ઓસામા બિન લાદેનને અમેરિકન સૈનિકોએ એબોટાબાદમાં મારી નાખ્યો હતો.
અમરુલ્લા હામિદ કરઝાઈની પાકિસ્તાન નીતિથી નાખુશ
એવું માનવામાં આવે છે કે, સાલેહ તત્કાલીન રાષ્ટ્રપતિ હામિદ કરઝાઈના પાકિસ્તાન પ્રત્યેના હળવા વલણથી દુ:ખી હતા. તેમણે તાલિબાન સાથે વાતચીતની ઓફરનો વિરોધ કર્યો હતો. હકીકતમાં, અમરુલ્લાહ સાલેહે તેમના ગુપ્તચર વડા તરીકેના કાર્યકાળ દરમિયાન એક અભ્યાસ કર્યો હતો, પછી તેમને જાણવા મળ્યું કે પાકિસ્તાનની સેના અને ISI તાલિબાનને ભંડોળ પૂરું પાડી રહ્યા છે. આ સાથે, તે તેમને શસ્ત્રો અને આશ્રય પણ આપી રહ્યું છે. અહેવાલો અનુસાર, તાલિબાને 1996 માં તેની બહેન પર હુમલો કર્યો હતો, જેના કારણે તે ખૂબ જ દુ:ખી થયા હતા, જ્યારે કરઝઈ સરકારે તેમની ભલામણોની અવગણના કરી, ત્યારે તેમણે રાષ્ટ્રીય ગુપ્તચર વિભાગના વડા તરીકે રાજીનામું આપ્યું.
અશરફ ગનીના પ્રધાનમંડળમાં પ્રથમ વખત પ્રધાન
જાસૂસ સેવામાંથી રાજીનામું આપ્યા બાદ, અમરુલ્લાએ તાલિબાનનો વિરોધ કરવા માટે રાજકીય પક્ષ, બસેજ-એ-મિલીની સ્થાપના કરી. 2011 પછી, સાલેહે હમીદ કરઝાઈ સામે રાજકીય અભિયાન શરૂ કર્યું હતું. પાકિસ્તાન પ્રત્યેની તેમની નફરત અને અણગમાને કારણે તેમની લોકપ્રિયતા ઝડપથી વધી હતી. તેમણે પાકિસ્તાન તરફ હામિદ કરઝાઈના ઝુકાવની ટીકા કરી હતી. 2017 માં, તેઓ રાષ્ટ્રપતિ અશરફ ગનીના પ્રધાનમંડળમાં જોડાયા હતા. 2018 માં તેમને આંતરિક બાબતોના પ્રધાન બનાવવામાં આવ્યા હતા. આ બાદ ફેબ્રુઆરી 2020માં, તેમણે ઉપરાષ્ટ્રપતિ પદ સંભાળ્યું હતું.
શેર-એ-પંજશીર પર ઘણી વખત હુમલો
તાલિબાન અને પાકિસ્તાનની ખુલ્લી ટીકાને કારણે, અમરૂલ્લાહ સાલેહ આતંકવાદીઓના નિશાના પર રહ્યા છે. જુલાઈ 2019માં તેમની ઓફિસમાં ફિદાયીન હુમલો થયો હતો. આ હુમલામાં 20 લોકો માર્યા ગયા હતા અને 50 થી વધુ ઇજાગ્રસ્ત થયા હતા. સદનસીબે, સાલેહ બચી ગયો, જોકે તેનો ભત્રીજો આત્મઘાતી હુમલાનો ભોગ બન્યો હતો. 9 સપ્ટેમ્બર 2020ના રોજ અમરૂલ્લા સાલેહના કાફલા પર બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 10 લોકોના મોત થયા હતા.
તાલિબાન માટે પંજશીરનો રસ્તો મુશ્કેલ
અમરૂલ્લાહ સાલેહે તાલિબાનની આગેવાની હેઠળના અફઘાનિસ્તાનમાં ખુલ્લેઆમ યુદ્ધની જાહેરાત કરી છે. તેમણે તેમના સમર્થકોને એક થવાની અપીલ કરી હતી. પંજશીરના સિંહે પોતાના ગુરુ અહેમદ શાહ મસૂદના પગલે ચાલવાની જાહેરાત કરી છે. સૂત્રો જણાવે છે કે સાલેહ પંજશીરમાં નથી, પરંતુ તાજિકિસ્તાનમાં છે, પરંતુ તેમના સ્ટેન્ડે નક્કી કર્યું છે કે તાલિબાન માટે પંજશીરનો રસ્તો મુશ્કેલ રહેશે.
અમરૂલ્લાહ દ્વારા કરવામાં આવ્યું હતું ટ્વિટ
અમરૂલ્લાહ સાલેહે થોડા સમય પહેલા જ પોતે ટ્વિટ કરીને જણાવ્યું હતુ્ં કે, અમારા ઇતિહાસમાં ભુતકાળમાં આવું ચિત્ર ન હતું અને ક્યારેય હશે પણ નહીં. આ ઉપરાંત, તેમણે કહ્યું કે, પ્રિય પાક ટ્વિટર હુમલાખોરો, તાલિબન અને આતંકવાદ આ ચિત્રના આઘાતને મટાડશે નહીં. અન્ય રીતો શોધો.
આ પણ વાંચો: હું કાબૂલમાં રહ્યો હોત તો કત્લેઆમ થઇ જાત: અશરફ ગની
ભારત પ્રત્યે હકારાત્મક વલણ ધરાવનારા સાલેહ
અમરૂલ્લાહ સાલેહે 1990 ના દાયકામાં ગોરિલા કમાન્ડર મસૂદ સાથે યુદ્ધ કર્યું હતું. 1990 માં, સાલેહ સોવિયેત સમર્થિત અફઘાન સેનામાં ભરતી ટાળવા માટે વિપક્ષી મુજાહિદ્દીન દળોમાં જોડાયા હતા. સાલેહને ખુલ્લેઆમ પાકિસ્તાનના વિરોધી માનવામાં આવે છે, જ્યારે ભારત પ્રત્યે હકારાત્મક વલણ ધરાવનારા માનવામાં આવે છે.