- તાલિબાને ચીનને ગણાવ્યું મહત્વપૂર્ણ ભાગીદાર
- તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહે આપ્યું નિવેદન
- ઈટાલિયન અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં કર્યો ઘટસ્ફોટ
ન્યૂઝ ડેસ્ક: ચીનને પોતાનો 'સૌથી મહત્વપૂર્ણ ભાગીદાર' ગણાવતા તાલિબાને કહ્યું છે કે, તેઓ અફઘાનિસ્તાનના પુન: નિર્માણ માટે બીજિંગ તરફ મીટ માંડીને બેઠા છે. યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાન વ્યાપક ભૂખમરો અને આર્થિક પતનના ભયનો સામનો કરી રહ્યું છે. તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે જણાવ્યું હતું કે, બંદરો, રેલવે, રસ્તાઓ અને ઔદ્યોગિક ઉદ્યાનોના વિશાળ નેટવર્ક દ્વારા ચીનને આફ્રિકા, એશિયા અને યુરોપ સાથે જોડવાના મુખ્ય પ્રયાસમાં આ જૂથ ચીનની 'વન બેલ્ટ વન રોડ' પહેલને ટેકો આપે છે.
વિશ્વભરના બજારો માટે ચીન અમારો માર્ગ: તાલિબાન
ગુરુવારે એક ઈટાલિયન અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં મુજહિદે કહ્યું હતું કે, "ચીન તેમનો સૌથી મહત્વનો ભાગીદાર છે અને તે તેમના માટે એક મૂળભૂત અને અસાધારણ તકનું પ્રતિનિધિત્વ કરે છે. મુજાહિદે કહ્યું, "દેશમાં સમૃદ્ધ તાંબાની ખાણો છે, જે ચીનની મદદથી ફરી ચલાવી શકાય છે." ઝબીહુલ્લાહ મુજાહિદે વધુમાં કહ્યું કે, ચીન વિશ્વભરના બજારો માટે અમારો માર્ગ છે.
ચીનની સાથે સાથે રશિયા સાથે પણ સંબંધો જાળવી રાખીશું: તાલિબાન
ચીન તાલિબાન તરફ કેટલાક સકારાત્મક નિવેદનો આપી રહ્યું છે અને આશા વ્યક્ત કરી છે કે તેની ભયાનક કેડર ઉદાર અને સમજદાર સ્થાનિક અને વિદેશી નીતિઓનું પાલન કરશે, તમામ પ્રકારના આતંકવાદી દળોનો સામનો કરશે, અન્ય દેશો અને તેમની આકાંક્ષાઓ સાથે સુમેળમાં રહેશે,પરંતુ સત્ય તો આવનારૂ ભવિષ્ય જ સામે લાવશે. ઝબીહુલ્લાહ મુજાહિદે ઉમેર્યું હતું કે, તાલિબાન પણ રશિયાને આ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભાગીદાર તરીકે જુએ છે અને મોસ્કો સાથે સારા સંબંધો જાળવી રાખશે.