- શુક્રવારે જુમ્માની નમાઝ બાદ કરવામાં આવનારી હતી જાહેરાત
- નવી સરકારની જાહેરાત એક જ દિવસ માટે મુલતવી રાખવામાં આવી હતી
- આજે શનિવારે તાલિબાન દ્વારા નવી સરકારની કરવામાં આવશે જાહેરાત
ન્યૂઝ ડેસ્ક : તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે શુક્રવારે કહ્યું હતું કે, અફઘાનિસ્તાનમાં નવી સરકારની રચના એક દિવસ માટે મોકૂફ રાખવામાં આવી છે. સરકારની રચના અંગેની જાહેરાત શુક્રવારે થવાની હતી. મુજાહિદે કહ્યું કે, નવી સરકારની રચનાની જાહેરાત હવે શનિવારે કરવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું કે, કતારની રાજધાની દોહામાં તાલિબાનના રાજકીય કાર્યાલયના અધ્યક્ષ મુલ્લા અબ્દુલ ગની બરાદર તાલિબાન સરકારના વડા બની શકે છે.
ઈરાનની જેમ કાબુલમાં રચાશે સરકાર
તાલિબાનના એક વરિષ્ઠ સભ્યએ જણાવ્યું હતું કે, જૂથ ઈરાની નેતૃત્વની જેમ કાબુલમાં સરકારની રચનાની જાહેરાત કરવા માટે તૈયાર છે. જૂથના ટોચના ધાર્મિક નેતા મુલ્લા હેબતુલ્લા અખુંદઝાદાને અફઘાનિસ્તાનમાં સર્વોચ્ચ સત્તા તરીકે નિયુક્ત કર્યા છે. અફઘાનિસ્તાન પર તાલિબાનોનો કબજો થયાને બે અઠવાડિયાથી વધુ સમય થઈ ગયો છે. તાલિબાનના માહિતી અને સાંસ્કૃતિક આયોગના વરિષ્ઠ અધિકારી મુફ્તી ઈનામુલ્લાહ સામંગાનીએ જણાવ્યું હતું કે, નવી સરકાર અંગેની સલાહ લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને કેબિનેટ અંગે જરૂરી ચર્ચાઓ પણ થઈ ચૂકી છે.
અગાઉથી કેટલીક નિમણૂકો કરાઈ ચૂકી છે
ઉલ્લેખનીય છે કે, તાલિબાન અગાઉથી જ પ્રાંતો અને જિલ્લાઓ માટે રાજ્યપાલ, પોલીસ વડા અને પોલીસ કમાન્ડરની નિમણૂક કરી ચૂક્યું છે. જ્યારે નવા શાસનનું નામ, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીત હજુ સુધી નક્કી કરવામાં આવ્યું નથી. આ અંગે તેઓ સરકારની જાહેરાત કર્યા બાદ નક્કી કરશે.