- પાકિસ્તાન સંસદે પાસ કર્યું એફએટીએફ-(FATF) બિલ
- આંતરરાષ્ટ્રીય ગુનાઓના કેસમાં કાયદાકીય સહાયનું બિલ પાસ
- પાકિસ્તાનના વિરોધ પક્ષો દ્વારા બિલને દેશહિત વિરોધ ગણાવાયું
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનની ( Pakistan's parliament ) સંસદે વૈશ્વિક નાણાકીય દેખરેખ સંસ્થા એફએટીએફ-(FATF) દ્વારા નિર્ધારિત શરતોને પહોંચી વળવાના પ્રયત્નના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય ગુનાના કેસોમાં કાયદાકીય સહાય પૂરી પાડવા માટેનું બિલ પસાર કર્યું છે. વિપક્ષના વિરોધ વચ્ચે પાકિસ્તાન સંસદની સેનેટે પરસ્પર કાનૂની સહાયતા- મ્યુચ્યુઅલ લીગલ એઇડ સુધારણા બિલ પસાર કર્યું છે. જૂન 2018માં પેરિસ સ્થિત ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) દ્વારા પાકિસ્તાનને 'ગ્રે' સૂચિમાં મૂકવામાં આવ્યું હતું અને ઓક્ટોબર 2019 સુધીમાં કાર્યવાહી કરવાની યોજના સોંપવામાં આવી હતી.FATF દ્વારા સૂચવવામાં આવેલા પગલાંનું અમલીકરણ ન કરવાને કારણે પાકિસ્તાન ત્યારથી તે જ સૂચિમાં રહ્યું છે.
કાનૂની સાધનોની અસરકારકતામાં સુધારો કરવો જરૂરી
બિલના હેતુઓ અને કારણોના નિવેદન અનુસાર આંતરરાષ્ટ્રીય સંગઠિત ગુનામાં થયેલા વધારાને લીધે આંતરરાષ્ટ્રીય સમુદાય અને પાકિસ્તાને કાનૂની સાધનોની અસરકારકતામાં સુધારો કરવો જરૂરી બન્યું છે. કાયદામાં સમાનતાનો અભાવ અને દેશો વચ્ચે નબળા સંકલન પદ્ધતિઓના કારણે સીમા પારના અપરાધના મામલાઓમાં સામનો કરવાને અસર પડે છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ પડકારોનો સામનો કરવા કાયદાકીય પગલાં જરૂરી છે. જો કે વિરોધ પક્ષોએ બિલ અવરોધવાનો પ્રયાસ કરતાં કહ્યું કે તે સરકારને આક્ષેપોના આધારે પાકિસ્તાનના નાગરિકોને અન્ય દેશોના હવાલે કરવાની અબાધ્ય સત્તા આપશે.
સંસદીય ઇતિહાસમાં તેને કાળો દિવસઃ વિપક્ષ
સ્થાનિક સમાચાર માધ્યમોના જણાવ્યાં પ્રમાણે જમાત-એ-ઇસ્લામીના મુશ્તાક અહમદે બિલને મૂળભૂત અધિકારો, બંધારણ, પ્રાકૃતિક ન્યાયના સિદ્ધાંતો અને રાષ્ટ્રીય હિતની વિરુદ્ધનું કહ્યું છે. વિપક્ષનો વાંધો હોવા છતાં બિલ બહુમતી સાથે પસાર કરવામાં આવ્યું છે. દેશના સંસદીય ઇતિહાસમાં તેને કાળો દિવસ ગણાવતા સેનેટર અહમદે કહ્યું હતું કે સરકાર કોઈપણ વ્યક્તિને નોટિસ આપ્યાં વિના કાયદા હેઠળ સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી કરી શકે છે અને આ ન્યાયના સિદ્ધાંતોની વિરુદ્ધ છે.
પાકિસ્તાનને આર્થિક સહાયમાં મુશ્કેલી
'ગ્રે' સૂચિમાં રહેવાને કારણે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF), વિશ્વ બેંક, એશિયન વિકાસ બેંક (ADB) અને યુરોપિયન યુનિયન તરફથી આર્થિક સહાય મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.તેનાથી આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાનની આંતરિક સ્થિતિ વધુ ખરાબ થઇ છે.
આ પણ વાંચોઃ સાઇબિરીયામાં ગુમ થયેલું વિમાન મળ્યું, વિમાનમાં બેઠેલા તમામ 18 લોકો સલામત
આ પણ વાંચોઃ દ. આફ્રિકામાં ભારતીયો પર હુમલા અને લૂંટફાટ, 72ના મોત-1200થી વધારેની ધરપકડ, જૂઓ હચમચાવી દે તેવા દ્રશ્યો