કરાચી: પાકિસ્તાનમાં કોરોના સંકટ વચ્ચે ઈદની નમાઝમાં સામાજિક અંતરનું ઉલ્લંઘન થયું હતું. ઈદની નમાઝ દરમિયાન મસ્જિદમાં એક હજારથી વધુ લોકોએ સામાજિક અંતર અને સ્વસુરક્ષાના નિયમો તોડ્યાં હતાં. રમઝાન માસના રોઝાના અંતે વિશ્વભરના મુસ્લિમો ત્રણ દિવસીય ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરે છે. પાકિસ્તાનમાં કોરોના વાઈરસના ફેલાવાને અંકુશમાં રાખવા માટે માર્ચના મધ્યભાગથી લોકડાઉન ચાલુ છે, પરંતુ ઇદની નમાઝ વખતે લોકડાઉનના નિયમો તોડી નાખ્યાં હતાં.
જો કે, પાકિસ્તાનમાં ડૉકટરોની વિનંતી છતા વડાપ્રધાન ઇમરાન ખાને રમજાન દરમિયાન મસ્જિદો બંધ કરવાની ચોખી ના પાડી દીધી હતી. અત્યાર સુધીમાં પાકિસ્તાનમાં કોરોનાના 54,000થી વધુ કેસો નોંધાયા છે અને 1100થી વધુ લોકોના મોત થયા છે.
મહત્વનું છે કે, એવું પહેલીવાર બની રહ્યું છે કે જ્યારે આખા પાકિસ્તાનમાં એક જ દિવસે ઇદની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઘટનાથી ચંદ્ર દર્શનના મતભેદોનો અંત આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી અફઘાનિસ્તાનની સરહદ ધરાવતા પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના રહેવાસીઓ એક દિવસ પહેલા ઈદની ઉજવણી કરતા હતા અને પાકિસ્તાનમાં બીજા દિવસે ઈદની ઉજવણી કરવામાં આવતી હતી.