- ઓસ્ટ્રેલિયાના એક ટાપુ પરથી મળી આવ્યું વિચિત્ર ફંગસ
- ફંગસ ઝાડની ડાળીઓને નીચે પડતી અટકાવે છે
- ઓસ્ટ્રેલિયાના સ્થાનિકો તેને "ટી-ટ્રી ફિંગર્સ" કહે છે
ઓસ્ટ્રેલિયા: કોઈ મૃતકની આંગળી જેવા દેખાતા "ઝોમ્બી ફિંગર" ફંગસ ઓસ્ટ્રેલિયાના દક્ષિણ તટ નજીકના એક ટાપુમાં જોવા મળે છે. તે મુખ્યત્વે પડી ગયેલા ઝાડ પર ઉત્પન્ન થાય છે. તેનું વૈજ્ઞાનિક નામ હાઈપોક્રિપોસીસ એમ્પ્લેકટેંસ (Hypocreopsis amplectens) છે. તેને જોતા એવો ભાસ થાય છે કે, જાણે ઝાડના થડને આંગળીઓ ફૂટી હોય અને તે સડી ગઈ હોય. ઓસ્ટ્રેલિયાના સ્થાનિકો તેને "ટી-ટ્રી ફિંગર્સ" (Tea-Tree Fingers) તરીકે ઓળખે છે.
આ છે માણસની આંગળીના આકાર જેવા દુર્લભ ફંગસ
આ ખૂબ જ દૂર્લભ પ્રકારની ફંગસ છે, તે દક્ષિણ તટના ટાપુ સિવાય અન્ય બે સ્થાનો પર પણ જોવા મળે છે, ઓસ્ટ્રેલિયાના એક રિસર્ચમાં આ માહિતીની પુષ્ટિ પણ કરવામાં આવી છે. આ ફંગસ પડી ગયેલા ઝાડની ડાળખીઓને જકડી રાખવામાં મદદ કરે છે.
આ પણ વાંચો: 'ફંગસ' એ કોઈ નવો રોગ નથી, 100 વર્ષથી પણ જૂનો છે ઇતિહાસ
ફંગસને જોઈ તમે ડરી જશો
એક વૈજ્ઞાનિકના મત અનુસાર, સામાન્ય વ્યક્તિ આ ફંગસને જોઈ ડરી શકે છે. પરંતુ તેનો આવો આકાર જ તેનું અસ્તિત્વ ટકાવી રાખવામાં તેને મદદ કરે છે. આ ફંગસની બખોલ અને તેનો આકાર ઝાડની ડાળીઓને નીચે પડતી અટકાવે છે અને તેની મજબુતાઈ વધારવામાં મદદ કરે છે.
ઝોમ્બી ફિંગર એક જટિલ ખાદ્ય પ્રક્રિયાનો ભાગ
આ પરોપજીવી ફંગસ સડી ગયેલા ઝાડ અને અન્ય ફંગસનું ભક્ષણ કરે છે. લાર્વા અને અન્ય જંતુઓ માટે આ ફંગસ ખોરાક સમાન છે. એક વૈજ્ઞાનિકના મતે, આ એક જટિલ ખાદ્ય પ્રક્રિયાનો ભાગ છે. ઉપરાંત, તે લાર્વાના ઈકોસિસ્ટમનો પણ એક મહત્વનો ભાગ છે
વિક્ટોરીયા ફ્રેન્ચ આઈલેંડમાં મળ્યા વિચિત્ર ફંગસ
ઓસ્ટ્રેલિયાના એક રિસર્ચ અનુસાર, વિક્ટોરીયા ફ્રેન્ચ આઈલેંડમાં ટી-ટ્રી પર આ ફંગસ મળી આવ્યા છે. એક જ જગ્યાએ લગભગ 100થી વધારે ઝોમ્બી ફિંગર મળી આવ્યા છે, જે સામાન્ય કરતાં ઘણું વધારે પ્રમાણ કહી શકાય. એક વૈજ્ઞાનિકના મતે, કોઈ દુર્લભ ફંગસનો આટલો વધુ જથ્થો ભવિષ્યમાં પેરાસાઈટ ઉપર રિસર્ચ કરવા માટેની ઉત્તમ તક કહી શકાય. વધતા પ્રદુષણ અને ગ્રીનહાઉસ અસરને કારણે વિલુપ્ત થઈ રહ્યા છે.
આ પણ વાંચો: રેર ઓફ ધી રેર મ્યુકોરમાઇકોસીસ : વગર લક્ષણ પ્રથમવાર મસ્તિષ્કમાં ફંગસનો કેસ
ખાસ પ્રકારના વૃક્ષો પર જ ઉત્પન્ન થાય છે આ ફંગસ
આ ફંગસને ઉગવા માટે ચોક્કસ પ્રકારના વાતાવરણની જરૂર હોય છે. તે ખાસ પ્રકારના વૃક્ષો પર જ ઉત્પન્ન થાય છે. તેને ઉગવા માટે ચોક્કસ માત્રામાં ભેજની જરૂર હોય છે અને ગાઢ ઝાડીઓમાં જ તે ઉત્પન્ન થઈ શકે છે. તેના વિનાશ પાછળના કારણોમાંથી એક ક્લાઈમેટ ચેન્જ પણ છે.