કાઠમાંડૂ: ચીનના ઇશારે ભારત વિરુદ્ધ નિર્ણયો લેનારા નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલી વધુ મુશ્કેલમાં ફસાઇ રહ્યા છે. મંગળવારે તેમની પાર્ટી નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ તેમના રાજીનામાની માગ કરી હતી. ઓલીએ હાલમાં કહ્યું કે, તેમની સરકાર દ્વારા નેપાળનો રાજકીય નકશો પાછો ખેંચવા બાદ તેમને હટાવવાનો પ્રયાસો કરવામાં આવી રહ્યો છે.
મંગળવારે નેપાળના વડાપ્રધાનના નિવાસસ્થાન પર શાસક પક્ષની સમિતિની બેઠક થઇ હતી.પૂર્વ વડાપ્રધાન પુષ્પ કમલ દહલ 'પ્રચંડ'એ ઓલી પર ટિપ્પણી કરવા બદલ તેમની આલોચના કરી હતી.પ્રંચડે કહ્યું કે, વડાપ્રધાનની આ ટિપ્પણી કે તેમને ભારત હટાવવાની કોશિશ કરી રહ્યું છે ..આ ન તો રાજકીય રીતે યોગ્ય છે અને ન તો કૂટનીતિકરીતે યોગ્ય છે. પ્રચંડે કહ્યું કે વડા પ્રધાનની આ ટિપ્પણી પાડોશી દેશ સાથેના આપણા સંબંધોને બગાડી શકે છે.
નેપાળના વડા પ્રધાન ઓલીએ રવિવારે કહ્યું હતું કે, તેમને સત્તા પરથી દૂર કરવા માટે "દૂતાવાસો અને હોટલો" માં અનેક પ્રવૃત્તિઓ ચાલી રહી છે અને કેટલાક નેપાળના નેતાઓ પણ આ ગેમમાં સામેલ છે. મંગળવારે નેતા પ્રચંડ ઉપરાંત વરિષ્ઠ નેતા માધવકુમાર નેપાળ, ઝલનાથ ખનાલ, ઉપરાષ્ટ્રપતિ બામદેવ ગૌતમ અને પ્રવક્તા નારાયણજી શ્રેષ્ઠે પણ વડા પ્રધાન ઓલીને તેમના આક્ષેપોના પુરાવા આપવા અને સત્તા છોડી દેવા કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાને નૈતિક કારણોસર રાજીનામું આપવું જોઈએ કારણ કે તેમણે "આવી અવ્યવસ્થિત અને બિન રાજકીય ટિપ્પણી કરી છે". જોકે, બેઠકમાં ઉપસ્થિત વડા પ્રધાન ઓલીએ આ અંગે કોઈ ટિપ્પણી કરી ન હતી. તમને જણાવી દઇએ કે આ પહેલીવાર નથી જ્યારે નેપાળના વરિષ્ઠ નેતાઓએ ઓલીને તેમના પદ પરથી રાજીનામું આપવાનું કહ્યું છે. એપ્રિલ મહિના અગાઉ જ ઓલીને આ પદ પરથી રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું હતું.