- તાલિબાન શુક્રવારે કરી શકે છે સરકારની જાહેરાત
- મુલ્લા બરાદર હશે નવી તાલિબાન સરકારના વડા
- મુલ્લા હેબતુલ્લા અખુંદઝાદા રહેશે સર્વોચ્ચ નેતા
નવી દિલ્હી: મુલ્લા બરાદર અફઘાનિસ્તાનની નવી સરકારના વડા હશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુલ્લા બરાદર અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારનું નેતૃત્વ કરશે. સમાચાર એજન્સી ANIએ રોઈટર્સના માધ્યમથી આ બાબતે માહિતી આપી હતી. જેમાં જણાવવામાં આવ્યું છે કે, 'ઈસ્લામી સમૂહના સૂત્રોએ શુક્રવારે કહ્યું કે, તાલિબાનના સહ સ્થાપક મુલ્લા બરાદર જલદી જ ઘોષિત કરવામાં આવનારી અફઘાન સરકારનું નેતૃત્વ કરશે. કારણ કે, બરાદરે પંજશીર ઘાટીમાં વિદ્રોહીઓ સામે લડાઈ લડી હતી અને આર્થિક પતનને રોકવાનો પ્રયાસ કર્યો હતો.'
મુલ્લા હેબતુલ્લા અખુંદઝાદા રહેશે સર્વોચ્ચ નેતા
સમાચાર એજન્સી PTIએ ગુરૂવારે કહ્યું હતું કે, તાલિબાનના સૌથી મોટા ધાર્મિક નેતા મુલ્લા હેબતુલ્લા અખુંદઝાદાને અફઘાનિસ્તાનની નવી સરકારના સર્વોચ્ચ નેતા બનાવવામાં આવશે. ગુરૂવારે તાલિબાન સમૂહના વરિષ્ઠ સદસ્યએ કહ્યું હતું કે, તાલિબાન સરકારની ઘોષણા કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે, મુલ્લા બરાદરની સાથે સાથે સરકારમાં મહોમ્મદ યાકૂબ અને શેર મહોમ્મદ અબ્બાસ સ્ટેનિકઝાઈ પણ શામેલ હશે.
કોણ હોય છે સર્વોચ્ચ નેતા?
નવી સરકારમાં 60 વર્ષીય મુલ્લા અખુંદઝાદા તાલિબાન સરકારના સર્વોચ્ચ નેતા હશે. ઈરાનમાં નેતૃત્વની વ્યવસ્થાની જેમ અફઘાનિસ્તાનમાં વ્યવસ્થા ગોઠવવામાં આવશે. જેમાં સર્વોચ્ચ નેતા દેશના સૌથી મોટા રાજનૈતિક અને ધાર્મિક વડા હોય છે. તેમનું પદ રાષ્ટ્રપતિથી પણ ઉપર હોય છે અને તે સેના, સરકાર તથા ન્યાય વ્યવસ્થાના પ્રમુખોની નિયુક્તી કરે છે. દેશના રાજનૈતિક, ધાર્મિક અને સૈન્ય મામલાઓમાં સર્વોચ્ચ નેતાનો નિર્ણય જ અંતિમ નિર્ણય હોય છે.