- ભારતીય રાજદ્વારીના ભાષણ વખતે માઇક બંધ થઈ ગયું
- યુએન સસ્ટેનેબલ ટ્રાન્સપોર્ટ કોન્ફરન્સમાં માઇકમાં ખામી સર્જાઈ
- ચીન દ્વારા આયોજિત છે આ યુએન બેઠક
બેઇજિંગ: તાજેતરમાં જ સમાપ્ત થયેલી બીજી યુએન સસ્ટેનેબલ ટ્રાન્સપોર્ટ કોન્ફરન્સ (UN Sustainable Transport Conference)માં ભારતે ચીનના બેલ્ટ એન્ડ રોડ ઈનિશિયેટિવ (BRI) અને તેના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ CPEC (China–Pakistan Economic Corridor)નો સખત વિરોધ કર્યો હતો. જો કે જ્યારે ભારતીય રાજદ્વારી (Indian diplomat) આ વિવાદાસ્પદ પ્રોજેક્ટ્સ સામે નવી દિલ્હીના વાંધાઓની રૂપરેખા આપી રહ્યા હતા, ત્યારે 'માઇક' અચાનક બંધ થઈ ગયું હતું. અહીં 14થી 16 ઓક્ટોબર દરમિયાન ચીન દ્વારા આયોજિત યુએન બેઠકમાં માઈકમાં અચાનક ખામી સર્જાતા હંગામો મચી ગયો અને તેને ઠીક કરવામાં અનેક મિનિટો લાગી હતી.
આગળના વક્તાનો વિડીયો શરૂ થઈ ગયો
એટલા સુધી કે આગળના વક્તાનો વિડીયો પણ સ્ક્રીન પર શરૂ થઈ ગયો, પરંતુ યુએનના અવર-સેક્રેટરી જનરલ લિયુ ઝેનમિને તે રોકી દીધું, જે ચીનના ભૂતપૂર્વ નાયબ વિદેશ મંત્રી છે. ઝેનમિને ભારતીય રાજદ્વારી અને અહીં ભારતીય દૂતાવાસમાં દ્વિતીય સેક્રેટરી પ્રિયંકા સોહનીને પોતાનું ભાષણ ચાલુ રાખવા વિનંતી કરી.
તમે નસીબદાર છો... તમારું ફરી સ્વાગત છે
કોન્ફરન્સ રૂમમાં સાઉન્ડ સિસ્ટમ પુન:સ્થાપિત કર્યા પછી ઝેનમિને કહ્યું કે પ્રિય સહભાગીઓ, અમે દિલગીર છીએ. અમે કેટલીક તકનીકી સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા અને આગામી વક્તાનો વિડીયો શરૂ કર્યો. આ માટે હું દિલગીર છું અને સોહનીને પોતાનું ભાષણ ફરી શરૂ કરવા કહ્યું. તેમણે સોહનીને કહ્યું, 'તમે નસીબદાર છો... તમારું ફરી સ્વાગત છે.' આ પછી ભારતીય રાજદ્વારીએ કોઈ વિક્ષેપ વગર પોતાનું ભાષણ ચાલુ રાખ્યું.
ભારતે શું કહ્યું?
સોહનીએ કહ્યું, "અમે ભૌતિક સંપર્ક વધારવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાયની અપેક્ષાને વહેંચીએ છીએ અને અમે માનીએ છીએ કે આ બધા માટે વ્યાજબી અને સંતુલિત રીતે વ્યાપક આર્થિક લાભો લાવશે." તેમણે કહ્યું, "આ પરિષદમાં BRIનો થોડો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અહીં હું કહેવા માંગુ છું કે જ્યાં સુધી ચીનની BRIની વાત છે, અમે તેનાથી અસમાન રીતે પ્રભાવિત થયા છીએ. કહેવાતા ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (CPEC)માં તેનો સમાવેશ ભારતની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરે છે."
આ પણ વાંચો: અમેરિકાએ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલાં ATTACKS ની ટીકા કરી
આ પણ વાંચો: સીરિયાએ બળવાખોરોના કબજા હેઠળના વિસ્તારમાં બોમ્બમારો કર્યો, ચારના મોત