આતંકવાદ વિરોધી કોર્ટે(ATC)એ બુધવારે 26/11 મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદ વિરૂદ્ધ આતંક ધિરાણ કેસમાં આરોપ નક્કી કરી દીધા છે.
એક પાકિસ્તાની ખાનગી સમાચાર પત્રના રિપોર્ટ અનુસાર પ્રમુખ સઈદ અને તેમના મુખ્ય સહયોગી, હાફિઝ અબ્દુલ સલામ બિન મુહમ્મદ, મુહમ્મદ અશરફ અને ઝફર ઈકબાલ વિરૂદ્ધ આરોપ નક્કી કરવામાં આવ્યા છે. આ લોકો વિરૂદ્ધ જુલાઈમાં આતંકવાદ ધિરાણ સબંધમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
ATC જજ અરશદ હુસૈનએ પુરાવા રજૂ કરવા સૂચના આપી અને કેસ ગુરૂવાર સુધી મુલતવી રાખ્યો. 69 વર્ષીય સઈદ અને તેના સાથીઓને ચુસ્ત સુરક્ષા વચ્ચે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ઘણા દિવસથી હાફિઝને દબોચવા માટે પાકિસ્તાન પર આંતરરાષ્ટ્રીય દબાવ પડી રહ્યો હતો.
સુનાવણી બાદ કોર્ટના એક અધિકારીએ જણાવ્યું કે, સઈદ અને તેમના સાથીઓના વકીલોએ પોતાના તર્ક રાખ્યા હતા અને પોતાના ક્લાઈન્ટ પર આરોપ નક્કી ન કરવા માટે કોર્ટને વિનંતી કરી હતી.
ગત શનિવારે, કોર્ટે એક શંકાસ્પદના હાજર ન રહેવાથી નિર્ણય મુલતવી રાખ્યો હતો. આ જ વર્ષે 3 જુલાઈના રોજ, JUDના 13 નેતાને આતંકવાદ વિરોધી એક્ટ(ATA),1997 હેઠળ આતંક ધિરાણ અને મની લોન્ડરિંગ સાથે જોડાયેલા 2 ડઝન જેવા મુદ્દે કેસ દાખલ કરવામાં આવ્યા હતા.
પંજાબના 5 શહેરમાં કેસ દાખલ કરનાર કાઉન્ટર ટેરરિઝમ વિભાગ(CTD)એ કહ્યું હતું કે, JUD અલ-અનફાલ ટ્રસ્ટ, દવાતુલ ઈરશાદ ટ્રસ્ટ, મુઆઝ બિન જબાલ ટ્રસ્ટ સહિત અન્ય બિન નફાકારક સંસ્થાઓ પર મોટા પાયે ધન લઇને આતંકવાદ ધિરાણનું કામ કરતા હતા.
આ બિન નફાકારક સંસ્થાઓ પર CTDએ એપ્રીલમાં પ્રતિબંધ લાદી દીધો હતો. CTDને પોતાની વિસ્તૃત તપાસમાં જાણવા મળ્યું કે, આ સંસ્થાઓના સબંધ JDU અને તેમના મુખ્ય નૈતૃત્વ સાથે સબંધો હતા.
ત્યારબાદ, 17 જુલાઈના રોજ સઈદની પંજાબ CTD દ્વારા આતંકવાદ ધિરાણના આરોપમાં ગુજરાંવાલાથી ધરપકડ કરવામાં આવી હતી. CTD દ્વારા ગુજરાંવાલા ATCના સમક્ષ રજૂ કર્યા બાદ, સઈદને ન્યાયિક રિમાન્ડ પર જેલ મોકલી દેવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, એપ્રીલ 2012માં અમેરિકાએ વર્ષ 2008માંવ થયેલા મુંબઇ હુમલાને લઇ સઈદ પર 1 કરોડ ડૉલરનું ઈનામ જાહેર કર્યું હતું. મુંબઇ હુમલામાં 164 લોકોના મોત થયા હતા.