દુનિયાના રાજકારણ સંદર્ભે ભારતમાં યોજાઈ રહેલા 'રાયસીના ડાયલૉગ' સંમેલનમાં રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લાવરોવે કહ્યું કે, ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સ્થાયી સદસ્યતા મળવી જોઈએ. તેમણે આ વાત પર ભાર મુકતા કહ્યું કે, વિકાસશીલ દેશોને UNSCમાં પૂરતું પ્રતિનિધિત્વ આપવું જોઈએ. લાવરોવે ભારત અને બ્રાઝીલની સ્થાયી સદસ્યતા માટે સમર્થન કર્યુ.
'રાયસીના ડાયલૉગ'માં લાવરોવે કહ્યું કે, સમાનતા પર આધારિત લોકતાંત્રિક વ્યવસ્થાને બળનો ઉપયોગ કરી પ્રભાવિત ન કરવું જોઈએ. તેમણે હિંદ-પ્રશાંત વિચારને આડે હાથ લેતાં કહ્યું હતું કે, નવી કલ્પના રજૂ કરવાનો આ પ્રયાસ હાલના બંધારણ અને ચીનને વિક્ષેપિત કરવાનો પ્રયત્ન છે. અમેરિકા, જાપાન અને અન્ય દેશો તરફથી આ નવો વિચાર હાલની સ્થિતિને નવો આકાર આપવાનો પ્રયત્ન છે.
મંગળવારે શરૂ થયેલા આ ત્રણ દિવસીય સંમેલનમાં 12 વિદેશ પ્રધાન ભાગ લેવાના છે. તેમાં રશિયા, ઈરાન, ઑસ્ટ્રેલિયા, માલદીવ, દક્ષિણ આફ્રિકા, એસ્તાનિયા, ચેણ ગણરાજ્ય, ડેનમાર્ક, હંગરી, લાતવિયા, ઉઝ્બેકિસ્તાન અને ઈયૂના વિદેશ પ્રધાન સામેલ છે.