બેઇજિંગ: દક્ષિણ પશ્ચિમ ચીનના સિચુઆન પ્રાંતમાં પૂર ઝડપથી ચાલતી બસ રોડના ગાર્ડ રેલ (ડિવાઇડર) સાથે અથડાતાં 6 લોકોનાં મોત નીપજ્યાં અને 20 લોકો ઘાયલ થયા હતા.
સિચુઆનના પ્રાંતીય જાહેર સલામતી વિભાગે જણાવ્યું હતું કે, અકસ્માત શનિવારે થયો હતો, જ્યારે ચેન્ગાંગથી ચેંગડુને જોડતા ધોરીમાર્ગ પર ડિવાઇડરને ટક્કર મારતાં વાહન પલટી ગયું હતું.
બસમાં બેઠેલા 26 લોકોમાંથી બે લોકોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને ચાર અન્ય લોકો હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા હતા.
સરકારી સમાચાર એજન્સી સિન્હુઆએ અહેવાલ આપ્યો છે કે, તમામ 20 ઇજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે. તેમાંથી ત્રણની હાલત ગંભીર છે.
ચીનમાં માર્ગ અકસ્માતો સામાન્ય છે, જ્યાં ટ્રાફિકના નિયમોનું વારંવાર ઉલ્લંઘન કરવામાં આવે છે અથવા તેનો કડક અમલ કરવામાં આવતો નથી.