ફિલિપાઈન્સ: જીવલેણ વાયરસ કોરોનાએ દુનિયા આખીને પોતાના લપેટામાં લઈ લીધી છે. અત્યાર સુધીમાં 7000 લોકોના મોત નિપજી ચુક્યા છે. વિશ્વભરમાં કહેર મચાવનારા કોરોના વાયરસની રસી હજી શોધાઈ નથી ત્યાં તો વધુ એક જીવલેણ વાયરસે દેખા દેતા ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. આ વાયરસ ફિલિપાઈન્સમાં મળ્યો છે. ફિલિપાઈન્સ પહેલાથી જ કોરોના વાયરસના પડકાર સામે ઝઝુમી રહ્યું છે ત્યારે વધુ એક વાયરસે તેને મુશ્કેલીઓ વધારી દીધી છે. ફિલિપાઈન્સમાં આ વાયરસ તેના ઉત્તર પ્રાંતમાં જોવા મળ્યો છે.
ફિલિપાઈન્સના ઉત્તરી પ્રાંતમાં ચીનમાંથી ફેલાયેલા કોરોના વાયરસ બાદ હવે જીવલેણ બર્ડ ફ્લૂ ખુબ ઝડપથી પગપેસારો કરી રહ્યો છે. જેના કારણે ફિલિપાઈન્સની સરકાર ચિંતામાં મુકાઈ ગઈ છે. આ વાયરસ બટેર નામના પક્ષીના કારણે ફેલાઈ રહ્યો છે. આ વાયરસે લોકોને પોતાના ઝપેટમાં લેવાનું શરૂ કરી દેતા ફિલિપાઈન્સ સરકાર માટે કોરોના બાદ હવે નવી મુસીબત ઉભી થઈ છે.
ફિલિપાઈન્સના કૃષિપ્રધાને તેની જાણકારી આપતા કહ્યું હતું કે, આ ખુબ જ સંક્રામક ફ્લૂ છે જે H5N6 અને ઈન્ફ્લુએંઝા A વાયરસની શ્રેણીમાં આવે છે. આ વાયરસ સૌપ્રથમવાર બટેર ફાર્મમાં દેખાયો હતો. માણસો માટે આ વાયરસ જીવલેણ પણ સાબિત થાય છે.
આ નવી સમસ્યાને લઈને ફિલિપાઈન્સે કૃષિ સેક્રેટરી વિલિયામ ડારે કહ્યું હતું કે, આ વિસ્તારમા વર્ષ 2017માં પણ બર્ડ ફ્લૂ ફેલાઈ ચુક્યો છે અને તે દરમિયાન પણ તે એક બટેર ફાર્મમાંથી જ ફેલાયો હતો.
સાવચેતીના ભાગરૂપે આ વિસ્તારમાંથી કોઈ પણ પક્ષીની નિકાસ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તેવી જ રીતે બર્ડ ફ્લૂની આશંકા વચ્ચે ફાર્મની આસપાસના 7 કિલોમીટરના વિસ્તારને સેનેટાઈઝ કરી દેવામાં આવ્યો છે. સાથે જ રાહત અને બચાવકાર્ય પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.