વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, લશ્કરી સહાયકને કોરોના વાઈરસથી ચેપ લાગ્યો હોવાનું જાણવા મળ્યા બાદ તેઓ દરરોજ કોરોનાની તપાસ કરાવશે. ટ્રમ્પના સેના સહાયકને કોરોના વાઈરસનો ચેપ લાગ્યો છે. રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, તેઓ તેની સાથે ખૂબ જ ઓછા સંપર્કમાં હતા.
ટ્રમ્પે વ્હાઇટ હાઉસની આંતરીક ઓફિસમાં પત્રકારોને જણાવ્યું હતું કે, હું જાણું છું કે એ કોણ છે. તે એક સારો વ્યક્તિ છે, પરંતુ મારો તેની સાથે સંપર્ક ઓછો હતો. દેશના ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સનો તેમની સાથે બહુ ઓછો સંપર્ક હતો, પરંતુ માઈક અને મારી તપાસ કરવામાં આવી છે.
આ દરમિયાન ટ્રમ્પે કહ્યું કે, વિશ્વમાં આ ઘાતક ચેપી રોગને ફેલાવા માટે ચીન જવાબદાર છે. ચીન કોરોના વાઈરસના ફેલાવાને રોકવામાં અસમર્થ રહ્યું હતું. જેની સજા દુનિયાના મોટાભાગના દેશો ભોગવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, કોરોના વાઈરસને કારણે વિશ્વભરમાં 2,64,000થી વધુ લોકો માર્યા ગયા છે, જ્યારે 37 લાખ લોકોને તેનો ચેપ લાગ્યો છે. ફક્ત યુ.એસ.એમાં 76,000થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે 12 લાખ લોકો ચેપગ્રસ્ત છે.