વૉશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આર્થિક સહકાર અને વિકાસ સંગઠન (ઓઇસીડી)માં પોતાના દૂત પદ માટે ભારતીય મૂળના અમેરિકી નાગરિક તરીકે મનીષા સિંહને નામિત કર્યા છે. વ્હાઇટ હાઉસ દ્વારા સેનેટને મોકલાયેલા નામાંકન મુજબ, મનીષા સિંહ હાલમાં વિદેશ મંત્રાલયમાં આર્થિક અને વ્યવસાય બાબતોના સહાયક સચિવ છે. હવે સિંહ ઓઇસીડીમાં અમેરિકાનું પ્રતિનિધિત્વ કરશે. આ પદ રાજદૂતની બરાબરીનું હશે.
પેરિસ સ્થિત ઓઇસીડી એક આંતર સરકારી આર્થિક સંસ્થા છે, જે આર્થિક પ્રગતિ અને વિશ્વ વેપારને પ્રોત્સાહન આપે છે. આ સંસ્થાના 36 દેશો સભ્યો છે. 27 એપ્રિલે ટ્રમ્પે આ પદ માટે સિંહને નોમિનેટ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. સિંહે વિદેશ મંત્રાલયમાં આર્થિક વિકાસ, એનર્જી, પર્યાવરણના કાર્યકારી સચિવ અને વ્યવસાયીક બાબતોના બ્યુરોના કાર્યકારી સચિવ તરીકે પણ કામ કર્યું છે.
મનીષા સિંહનો જન્મ ઉત્તર પ્રદેશમાં થયો છે અને તેઓ અમેરિકાના વિદેશ વિભાગમાં કાર્યરત સૌથી વરિષ્ઠ ભારતીય મૂળના અમેરિકન અધિકારી છે. મનીષા સિંહે અમેરિકન યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનથી આંતરરાષ્ટ્રીય કાયદામાં અનુસ્નાતકની ડિગ્રી મેળવી છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકન પ્રમુખ બનતાં ચાર્લ્સ રિવકીને પોતાના પદેથી રાજીનામું આપી દીધું હતું. તેમણે યુનિવર્સિટી ઓફ ફલોરિડાની કોલેજ ઓફ લોમાંથી સ્નાતકની પદવી મેળવી હતી.