વૉશિંગ્ટન: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે કહ્યું કે, કોરોના વાઇરસને કારણે અમેરિકામાં બે અઠવાડિયામાં મૃત્યુદર સર્વાધિક થઇ શકે છે. આ આશંકાને ધ્યાનમાં રાખીને ટ્રમ્પે સોશિયલ ડિસ્ટેંસિંગ સહિત કોરોના વાઇરસ સંબંધી દિશા-નિર્દેશોને આગળ વધારતા 30 એપ્રિલ સુધી કર્યા છે.
પોતાના દેશવાસીઓને આશવસ્ત કરતા ટ્રમ્પે કહ્યું કે, તેમને આશા છે કે, અમેરિકા 1 જૂન સુધી આ મહામારીમાંથી સંપૂર્ણ રીતે બહાર આવી શકશે. આગળ ટ્રમ્પે કહ્યું કે, કોરોના વાઇરસ પર વ્હાઇટ હાઉસ ટાસ્ક ફોર્સના સભ્યોની સલાહ પર તેમણે સોશિયલ ડિસ્ટેંસિંગ દિશા-નિર્દેશોને 30 એપ્રિલ સુધી લંબાવ્યા છે.
વધુમાં ટ્રમ્પે કહ્યું કે, અમારા દ્વારા કરવામાં આવી રહેલા ઉપાયોથી નવા સંક્રમણોના કેસની સંખ્યામાં ઘટાડો થશે અને તેમાં મૃતકોની સંખ્યા પણ ઓછી થશે. તેમણે એમ પણ કહ્યું કે, હું ઇચ્છું છું કે, અમેરિકી લોકો એ જાણી લે કે, તમારા નિ:સ્વાર્થ પ્રેરણાદાયક અને વીરતાપૂર્વક પ્રયાસ કેટલાય લોકોના જીવ બચાવશે. તમે ખૂબ જ અલગ કામ કરી રહ્યા છો. અમેરિકામાં બે અઠવાડિયામાં મૃત્યુદર સૌથી વધુ હશે.
તેમણે કહ્યું કે, નવી સોશિયલ ગાઇડલાઇન્સ 1 એપ્રિલે જાહેર કરવામાં આવશે. રવિવારે રાત્રે અમેરિકામાં કોરોના વાઇરસથી સંક્રમિતોની કુલ સંખ્યા 140,000 હતી અને અત્યાર સુધીમાં 2475 લોકોના મોત થયા છે.