નેશવિલ્લે: પ્રમુખ ટ્રમ્પ અને તેમના ડેમોક્રેટિક હરિફ જો બાઇડન ગુરુવારે બીજી વાર અને આ ચૂંટણીમાં આખરી વાર ટેનેસીમાં ડિબેટ માટે હાજર થશે. ચૂંટણીના 12 દિવસ પહેલાં અમેરિકાના પ્રાઇમ ટાઇમે ટીવી પર 90 મિનિટની આ ડિબેટ લાઇવ ચાલશે.
ગત વખતે બંને વચ્ચે ડિબેટ યોજાઈ હતી તે બહુ કર્કશ બની હતી: તેમાં વારંવાર બંને નેતાઓએ એક બીજાને ટોક્યા હતા, ખાસ કરીને ટ્રમ્પ વારંવાર વચ્ચે બોલતા રહ્યા હતા. કંટાળીને આખરે એક તબક્કે બાઇડને ટ્રમ્પને શટ અપ કહેવું પડ્યું હતું. તે પછી બીજી ડિબેટનું આયોજન હતું તે રદ કરવું પડ્યું, કેમ કે ટ્રમ્પને કોરોના ચેપ લાગ્યો હતો. ટ્રમ્પ ઓનલાઇન ડિબેટ કરવા માટે તૈયાર થયા નહોતા. તેના બદલે બાઇડન અને ટ્રમ્પ જુદી જુદી ચેનલો પર ટાઉનહોલ કાર્યક્રમોમાં એક બીજા પર પ્રહારો કરતા રહ્યા હતા.
ભારતમાં શુક્રવારે સવારે જોવા મળશે તે ડિબેટમાં શું ચર્ચા થઈ શકશે તેના પર એક નજર કરીએ:
શું આ વખતે ટ્રમ્પ વળતા પ્રવાહને ટાળી શકશે?
ટ્રમ્પે આ વખતે ડિબેટ જીતવી પડે તેમ છે, કેમ કે રાષ્ટ્રીય સર્વે અનુસાર તેઓ બાઇડન સામે હારી રહ્યા છે. કેટલાક બેટલગ્રાઉન્ડ રાજ્યોમાં સ્થિતિ કટોકટની છે, પણ ટ્રમ્પના કેટલાક સાથીઓ હવે ચિંતા કરવા લાગ્યા છે કે કદાચ હાર થઈ શકે છે. આ ડિબેટ તેમના માટે એક ઉત્તમ તક છે અને કદાચ છેલ્લી તક છે, કેમ કે કરોડો અમેરિકન દર્શકો ડિબેટ લાઇવ જોશે.
ગયા મહિને પ્રથમ ડિબેટ યોજાઇ ત્યારે પ્રથમથી જ આક્રમક વલણ અને બધી બાબતોમાં પ્રહારો કરવાની નીતિને કારણે ઉલટા પ્રત્યાઘાતો પડ્યા હતા. તે પછી બીજી વારની ડિબેટ ઓનલાઇન કરવાની હતી, તેમાં ભાગ લેવાનો ઇનકાર કરીને ટ્રમ્પે તક ગુમાવી.
ટ્રમ્પે ડિબેટમાં મુદ્દાસર પ્રચારના મુદ્દા મૂકવા પર ધ્યાન આપવું પડશે અને બાઇડન અને તેમની ક્ષમતા વિશે યોગ્ય રજૂઆત કરવાની રહેશે. પરંતુ તેમ કરવા માટે તેમણે પોતાની જ તીતૂડી વાગતી રહે તે રીતે વાત કરવાની રીત છોડવી પડશે.
આ વખતે રખાયું છે મ્યૂટ બટન
આ વખતની ડિબેટમાં મ્યૂટ બટન રાખવામાં આવ્યું છે તે બાબત ધ્યાન ખેંચે છે. જોકે તેનાથી કેટલો ફરક પડે છે તે જોવાનું રહ્યું.
પ્રથમ ડિબેટમાં ટ્રમ્પે વારંવાર દખલગીરી કરી હતી અને ઍન્કરના ટોકવા છતાં વચ્ચે બોલતા રહ્યા હતા. તેથી કમિશન ઓન પ્રેસિડેન્શિયલ ડિબેટ્સ તરફથી આ વખતે નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. એક ઉમેદવાર બોલતા હશે ત્યારે બીજા ઉમેદવારનું માઇક મ્યૂટ એટલે કે બંધ રખાશે. ડિબેટના છ મુદ્દાઓ છે, તેમાં દરેક ઉમેદવારે બબ્બે મિનિટ બોલવાનું છે. તેટલો સમય સામાનું માઇક મ્યૂટ રહેશે. જોકે ત્યાર બાદ 15 મીનિટની મુક્ત ચર્ચા થશે, તેમાં માઇક મ્યૂટ રખાશે નહિ.
આ ફેરફારોને કારણે કમ સે કમ દરેક ઉમેદવાર પોતાના મુદ્દા દખલ વિના રજૂ કરી શકશે. જોકે 90 મિનિટની ડિબેટમાં માત્ર 24 મિનિટ માટે જ માઇક મ્યૂટ રાખવાનું છે. તેથી એક બીજાને ટોકવાનું બહુ રોકાવાનું નથી.
કોરોના બાબતમાં ટ્રમ્પ પાસે કોઈ જવાબ છે ખરો?
કોરોના સંકટમાં શું કર્યું તે વિશે ટ્રમ્પે જવાબ આપવાનો રહેશે. તેમણે વધારે સારો જવાબ આપવો પડશે, કેમ કે અત્યાર સુધી તેમણે ઉડાઉ જવાબો આપ્યા છે.
જોકે તે સહેલું નથી, કેમ કે અમેરિકામાં ફરી ચેપ વધી રહ્યો છે. 220,000 અમેરિકનોના મોત થયા અને રોગચાળાને નાથવાના બદલે ટ્રમ્પ બેફામ વર્તન કરતાં રહ્યા અને અમેરિકાના જાણીતા રોગચાળાના નિષ્ણાત ડૉ. એન્થની ફોસી સામે આક્ષેપો કરતા રહ્યા અને માસ્ક પહેરવાની પણ પરવા કરી નહિ.
ચીન સામે આંશિક ટ્રાવેલ બેનની વાત પ્રથમ ડિબેટમાં ટ્રમ્પે કરી હતી અને આંકડાઓ રજૂ કરીને રોગચાળાને કારણે નુકસાન થયું નથી તેમ દેખાડવાની કોશિશ કરી હતી. જોકે તેમણે આ સદીની સૌથી મોટી આરોગ્ય કટોકટીમાં યોગ્ય કામ કર્યું છે તે સારી રીતે દેખાડવું પડશે.
પોતાના પુત્ર સામેના આક્ષેપોનો સામનો બાઇડન કેવી રીતે કરશે?
ટ્રમ્પ અને સાથીઓ સતત બાઇડનના પુત્ર હન્ટર સાથે આક્ષેપો કરતા રહ્યા છે. આ વખતની ડિબેટમાં ટ્રમ્પ તે મુદ્દાને જ કેન્દ્રમાં રાખશે તેમ બાઇડનના સલાહકારોની ટીમ માને છે.
પ્રથમ ડિબેટમાં પણ તેમણે આ મુદ્દે સીધા પ્રહારો કર્યા હતા. બાઇડનના પુત્રે પોતાની ડ્રગની લત વિશે કબૂલાતો કરેલી છે. ટ્રમ્પે આકરી ટીકા કરવાની કોશિશ કરી ત્યારે બાઇડને કહ્યું કે પોતાને પુત્ર પર ગૌરવ છે તેના કારણે ઉલટાનું ટ્રમ્પનું ખરાબ લાગ્યું હોય તેમ બની શકે છે. કેમ કે અમેરિકામાં ઘણા યુવાનોને નશાની લતમાંથી બહાર આવવા માટે મથામણ કરવી પડી છે.
ટ્રમ્પને લાગે છે કે આ વખતે પોતે વધારે પ્રહારો કરી શકશે. હન્ટરે વિદેશમાં કરેલા કામ વિશેના કેટલાક વિચિત્ર અહેવાલો એક ટેબ્લોઇડમાં પ્રગટ થયા છે. તેમાં આક્ષેપ કરાયો છે કે હન્ટરના લેપટોપમાંથી કેટલાક ડેટા મળ્યા છે. જોકે તેની ખરાઈ થઈ નથી અને જો તેમાં ખાસ કંઈ વાંધાજનક ના હોય તો બાઇડન માથે ભ્રષ્ટાચારના આક્ષેપો કરવા મુશ્કેલ છે.
બાઇડન પોતાના મુદ્દા કેવી રીતે રજૂ કરશે?
કદાચ બાઇડન સામે સૌથી મોટો પડકાર પોતાનો જ છે.
ટ્રમ્પને 77 વર્ષના બાઇડન સામે કોઈ નક્કર મુદ્દા મળ્યા નથી. પરંતુ આટલી લાંબી કારકિર્દી દરમિયાન બાઇડન પોતે જ ઘણી વાર ગફલતો કરતા આવ્યા છે. તેના કારણે રિપબ્લિકન પક્ષના નેતાઓ તેમની મજાક પણ ઉડાવતા રહ્યા છે.
આ ઉપરાંત આ વર્ષ દરમિયાન ટ્રમ્પની છાવણી તરફથી બાઇડનની માનસિક અને શારીરિક સજ્જતા સામે પણ શંકાઓ વ્યક્ત થતી રહી છે. જોકે બાઇડને પ્રથમ ડિબેટમાં સારો દેખાવ કરીને તે બધી શંકાઓને નિર્મૂળ કરી નાખી હતી, પણ આ શંકા સાવ ગઈ નથી. તેમણે કોઈ ગફલત ના થઈ જાય કે જવાબમાં ગોટાળો ના થાય તેનું ધ્યાન રાખવાનું રહેશે.
ડિબેટ માટે બાઇડન તૈયારી કરી રહ્યા છે એમ મનાય છે, કેમ કે છેલ્લા પાંચ દિવસો દરમિયાન તેમણે જાહેર સભાઓ ઓછી કરી છે અને ડિબેટની તૈયારીઓ વધારે કરી છે.
આમ છતાં બાઇડન જાતે જ બોલીને ભાંગરો વાટતા હોય છે તેવું ભૂતકાળમાં બન્યું છે તેથી તેમણે કાળજી રાખવાની રહેશે. આ વખતે તેમની પાસેથી સારા દેખાવની અપેક્ષા પણ વધારે છે અને ટ્રમ્પે પ્રથમ વાર નબળો દેખાવ કર્યો પછી આ વખતે ખરાખરીનો જંગ જામી શકે છે.
- - સમાચાર સંસ્થાઓના અહેવાલો સાથે
ડિબેટના મુખ્ય મુદ્દાઓ - કોવીડ-19 સામેની કામગીરી
- અમેરિકાના પરિવારોની સ્થિતિ
- અમેરિકામાં રંગભેદ
- ક્લાઇમેટ ચેન્જ
- રાષ્ટ્રીય સલામતી
- નેતૃત્ત્વ