વૉશિંગ્ટન: અમેરિકાના રાજકારણમાં બહુ નાની ઉંમરે શરૂઆત કરીને 50 વર્ષો જૉ બાઇડને વીતાવ્યા છે. તેઓ ઓબામા સાથે વાઇસ પ્રેસિડન્ટ તરીકે રહી ચૂક્યા છે અને તે પછી આખરે આ વખતે અમેરિકાના પ્રમુખ બનવાનું તેમનું સપનું પૂરું થયું છે.
આટલા લાંબા સંઘર્ષ પછી તેમણે સર્વોચ્ચ સ્થાન મેળવ્યું. અમેરિકા કોરોના મહામારીનો સામનો કરી રહ્યું હતું ત્યારે ચૂંટણી યોજાઈ. દેશમાં રંગભેદ અને ઉશ્કેરણી વધી હતી, અર્થતંત્રમાં સંકટ હતું અને ટ્રમ્પ જેવા ભારાડીનો સામનો કરવાનો હતો. આ રીતે અમેરિકાની લોકશાહીના ઇતિહાસમાં સૌથી વધુ કટોકટીભરી ચૂંટણીમાં તેઓ સફળ થયા તે પણ તેમની રાજકીય યાત્રાનું પ્રતીક બની રહી છે.
બાઇડને સૌ પ્રથમ 1988માં પ્રમુખપદના ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવી હતી, પણ બીજાનું કામ પોતાના નામે ચડાવવાના વિવાદને કારણે તેમણે સ્પર્ધામાંથી ખસી જવું પડ્યું હતું. 2008માં બીજા વાર સ્પર્ધામાં હતા, પરંતુ ડેમોક્રેટિક પક્ષના આયોવા કોકસમાં તેમને માત્ર એક ટકા મતો મળ્યા તે પછી પીછેહઠ કરવી પડી હતી.
આખરે ત્રીજી વાર તક મળી ત્યારે બાઇડને બહુ નાની ઉંમરે રાજકારણમાં શરૂઆત કરીને સેનેટર તરીકે લાંબો અનુભવ તથા 2008થી 8 વર્ષ સુધી ઓબામા સાથે વાઇસ પ્રેસિડન્ટ તરીકેના વહિવટના અનુભવના આધારે પ્રચાર કર્યો હતો. દેશમાં અંધાધૂંધી અને વિખવાદ વધી રહ્યો છે ત્યારે પોતાના જેવા પીઢ અને અનુભવી નેતાની જરૂર છે એવા પ્રચાર સાથે તેમને અમેરિકાના નાગરિકોએ તક આપી.આટલી લાંબા કારકિર્દીમાં બાઇડને અનેક ચઢાવઉતાર જોયા છે. તેમણે આખરે કમલા હૅરિસની વાઇસ પ્રેસિડન્ટ તરીકે સાથી ઉમેદવાર તરીકે પસંદ કરી તેના કારણે પણ અશ્વેત અને ઇન્ડિયન અમેરિકન સહિતના લઘુમતીનું સમર્થન પણ મળી શક્યું. આઠ વર્ષ દરમિયાન સાથે કામ કરીને ઓબામાના પણ તેઓ પ્રિયપાત્ર બની શક્યા હતા. અમેરિકન યુનિવર્સિટીના રાજ્યશાસ્ત્રના પ્રોફેસર લેની સ્ટેનહોર્ન કહે છે, "પ્રમુખ ઓબામાના રાઇટ હેન્ડમેન તરીકે જૉ બાઇડન કામ કરતા રહ્યા હતા."
"કોઈ અગત્યનો નિર્ણય લેવાનો હોય ત્યારે પ્રમુખ તેમની સલાહ લેતા હતા. ઓબામા સરકારના અગત્યના કાર્યક્રમોમાં તેઓ અગ્રેસર રહ્યા હતા."નાની ઉંમરે રાજકારણમાં આવ્યા પછી વાઇસ પ્રેસિડન્ટ બન્યા અને આખરે પ્રમુખ - તે લાંબી રાજકીય કારકિર્દી દરમિયાન બાઇડને કૌટુંબિક રીતે સંકટમાંથી પસાર થતા રહેવું પડ્યું હતું. સાથે જ પ્રોફેશનલ બાબતમાં પણ કેટલીક ચૂકને કારણે તેમણે ભોગવવું પડ્યું હતું.1972માં માત્ર 29 વર્ષની ઉંમરે તેઓ સેનેટર બન્યા હતા. જોકે સેનેટર બનવાની ખુશી પૂરી થાય તેના એક મહિનામાં જ તેમના પત્ની અને નાની દિકરીનું કાર અકસ્માતમાં મોત થયું હતું.
બે નાના પુત્રો - બૉ અને હંટર - ગંભીર ઈજાઓ સાથે હોસ્ટિપલમાં હતા. તેમની સારવાર ચાલતી હતી તે વચ્ચે હોસ્પિટલ રૂમમાંથી તેમણે સેનેટર તરીકે શપથવિધિ કરી હતી. ફેબ્રુઆરી 1988માં તેમણે પ્રમુખપદની દાવેદારી છોડી તેના એક મહિના પછી જ તેમને ગંભીર મગજની બીમારી થઈ હતી. ડૉક્ટરોનું કહેવું હતું કે તેમણે પ્રમુખપદની ચૂંટણી માટેની સ્પર્ધામાં વધારે જહેમત કરી હોત તો કદાચ તેમણે મોતને ભેટવું પડ્યું હોત.આટલું ઓછું હોય તેમ 2015માં બાઇડનના મોટા દીકરા બૉનું બ્રેઇન કેન્સરથી અવસાન થયું.
પુત્રના મોતને કારણે ફરી એક વાર બાઇડને ફરી એક વાર રાજકારણના બદલે કૌટુંબિક બાબતો તરફ ધ્યાન કેન્દ્રીત કરવું પડ્યું હતું. એવું લાગતું હતું કે કદાચ હવે બાઇડનની રાજકીય યાત્રા પૂર્ણ થવામાં છે.પરંતુ પાંચ જ વર્ષ પછી બાઇડને ઇતિહાસ સર્જી દીધો. તેમણે અમેરિકના નાગરિકો સમક્ષ મુશ્કેલી વચ્ચે આગળ વધતા રહેવાની વાત કરી.
તેમણે ડેમોક્રેટિક પક્ષના રાષ્ટ્રીય અધિવેશન વખતે કહેલું, "હું જાણું છું કે જીવન કેટલું અકારું અને અનિશ્ચિત હોય છે.""પણ હું બે બાબત શીખ્યો છું. એક, તમારા સ્વજનો આ ધરતી છોડીને જતા રહ્યા હશે, પણ ક્યારેય તમારા દિલમાંથી જતા નથી... અને બીજું, દુખ અને પીડામાંથી માર્ગ શોધવાનો મને સૌથી ઉત્તમ ઉપાય એ લાગ્યો છે કે જીવનનો કોઈ ઉદ્દેશ શોધી કાઢો."છ વાર સેનેટર બન્યા તે દરમિયાન તેઓ સેનેટની કાનૂની તથા વિદેશ સંબંધોની સમિતિઓના વડા તરીકે કામ કરતા રહ્યા હતા. તેના કારણે વૈશ્વિક બાબતોની તથા કાનૂની બાબતોની સારી એવી જાણકારી તેઓ ધરાવે છે.વિશાળ અનુભવ છતાં તેમણે કેટલાંક નિર્ણયો અને ચૂકને કારણે તેમને મુશ્કેલી પણ નડતી રહી છે. દાખલા તરીકે તેમણે 1994માં ક્રાઇમ બીલને સમર્થન આપ્યું હતું.
જાતીય સતામણીની ફરિયાદ કરનારા અનિતા હિલ સામે પૂછપરછ કરવા બધા જ પુરુષ સભ્યોની નિમણૂક માટેના આ નિર્ણયની ટીકા થઈ હતી.તેઓ ખુલ્લા મને સાથે પોતાના વિચારો વ્યક્ત કરતા રહે છે અને તેના કારણે ક્યારેક રાજકીય વિવાદો પણ જાગતા રહ્યા છે. તેમના નિવેદનોને કારણે અખબારોમાં ઘણી વાર ટીકાનો સામનો કરવો પડ્યો છે. જોકે કેટલાક ડેમોક્રેટ્સ માને છે કે તેમની આ શૈલીને કારણે જ આખરે તેઓ ડોનાલ્ડ ટ્રમ્પ જેવા માણસ સામે ઝીંક ઝીલી શક્યા.ત્રીજી વાર પ્રમુખપદની દાવેદારી કરી ત્યારે પણ વિવાદો વચ્ચે જ આગળ વધવું પડ્યું હતું.
તેમની કેમ્પેઇનને પ્રારંભમાં જ વિખવાદમાં પડવું પડ્યું, કેમ કે મહિલાઓ વિશે કેટલાક નિવેદનો આવ્યા હતા. જોકે તે જાતીય પ્રકારના નહોતા. જોકે બાઇડને તેનો ઇનકાર કર્યો હતો અને કહ્યું કે તેઓ ક્યારેય બદલાતા સામાજિક પ્રવાહોને નથી સમજી શકતા એટલે ગેરસમજ થતી હોય છે. "તેઓની વાતો મેં સાંભળી છે અને હું ધ્યાન રાખીશ," એમ બાઇડને ટ્વીટરમાં જણાવ્યું હતું. પ્રાઇમરીમાં તેમને સૌથી વધુ સમર્થન મળતું રહ્યું, પરંતુ આયોવા અને ન્યૂ હેમ્પશાયર પ્રાઇમરી સુધીમાં કેટલીક મુશ્કેલીઓ આવી હતી.જોકે સાઉથ કેરોલાઇનામાંથી સારું સમર્થન મળ્યા પછી તેઓ આગળ નીકળી ગયા. "ફેબ્રુઆરીની શરૂઆતમાં એવું લાગતું હતું કે આ વખતે પણ બાઇડન આગળ વધી શકશે નહિ, પરંતુ દેશને અત્યારે એક ઘાવ રુઝાવે તેવી વ્યક્તિની જરૂર છે તેવું લોકોને લાગ્યું.
તેના કારણે ડેમોક્રેટ્સમાં તેઓ આવી વ્યક્તિ તરીકે આખરે આગળ વધી શક્યા," એમ સ્ટેનહોર્ન કહે છે.તેમની સામે કમલા હૅરિસ સ્પર્ધામાં હતા, પણ બાઇડને હવે તેમને જ પોતાના સાથી તરીકે વાઇસ પ્રેસિડન્ટના દાવેદાર તરીકે ઑગસ્ટમાં સ્વીકાર્યા. આ રીતે પ્રથમવાર એક અશ્વેત અને ઇન્ડિયન અમેરિકન મહિલાને વાઇસ પ્રેસિડન્ટના દાવેદાર તરીકે આગળ કરવાનો ઇતિહાસ પણ તેમણે રચી દીધો.કમલા હૅરિસની પસંદગીને કારણે ડેમોક્રેટ્સ ટેકેદારોમાં સારો માહોલ ઊભો થયો અને ટ્રમ્પની ઉશ્કેરણીજનક અને ભેદભાવભરી નીતિઓ સામે ન્યાયની આશા સાથે લઘુમતીઓ અને ઉદારવાદીઓ બાઇડનની તરફેણમાં ઢળ્યા.