વોશિંગ્ટનઃ સમગ્ર દુનિયામાં કોરોના વાઇરસ સંક્રમિતોની સંખ્યા 17 લાખને પાર પહોંચી છે. જ્યારે આ વાઇરસના કારણે મરનારા લોકોની સંખ્યા 1 લાખને પાર પહોંચી છે. આ વાઇરસ દુનિયાના 205થી વધુ દેશ અને ક્ષેત્રમાં ફેલાયો છે. 2019ના ડિસેમ્બર મહિનાના અંતમાં ચીનથી વાઇરસનો પ્રથમ કેસ સામે આવ્યો હતો. જો કે, ચીનમાં હવે નવા કેસ આવવા લગભગ બંધ થઇ ગયા છે. આ ઉપરાંત ચીનમાં 4,04,031 લોકો સ્વસ્થ થતાં તેમને ડીસ્ચાર્જ કરી દેવામાં આવ્યાં છે.
આ વાઇરસે યુરોપીય દેશ અને અમેરિકામાં સૌથી વધુ અસર કરી છે. અમેરિકામાં આ વાઇરસના કારણે 20,577 લોકોનાં મોત થયાં છે અને 5,32,879 લોકો સંક્રમિત થયાની પુષ્ટી થઇ છે. સંક્રમણના કારણે મોતની સંખ્યામાં અમેરિકાએ ઈટલી અને સ્પેનને પાછળ રાખ્યાં છે.
ઈટલીમાં 19 હજારથી વધુ મોત
અમેરિકા બાદ ઈટલી સૌથી વધુ અસરગ્રસ્ત છે. આ દેશમાં અત્યા સુધીમાં 19,468 લોકોનાં મોત થયાં છે અને 1,52,271 લોકો આ વાઇરસથી સંક્રમિત છે.
સ્પેનમાં ઈટલીથી વધુ સંક્રમિત
કોરોના વાઇરસના ત્રીજા નંબરે સૌથી વધુ મોત સ્પેનમાં થયાં છે. જો કે, આ દેશમાં સંક્રમિતોની સંખ્યા ઈટલી કરતાં વધુ છે. સ્પેનમાં કોરોના વાઇરસથી સંક્રમિત થવાના કારણે 16,606 લોકોનાં મોત થયાં છે અને 1,63,027 લોકો આ વાઇરસથી સંક્રમિત છે.
કોરોના વાઇરસ સંક્રમણ અને મૃત્યુનાં આંકડા વર્લ્ડોમીટર નામની વેબસાઈટમાંથી લેવામાં આવ્યા છે. આ વેબસાઈટ સમગ્ર દુનિયામાં કોરોના વાઇરસથી સંક્રમણ અને મોતને ટ્રેક કરે છે.