- રાષ્ટ્રપતિ બાઇડન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ જીવ ગુમાવનારા લોકોને આપશે શ્રદ્ધાંજલિ
- વ્હાઇટ હાઉસ ખાતે મીણબત્તી પ્રગટાવી એક મિનિટનું મૌન રાખશે
- અમેરિકામાં એક વર્ષમાં લગભગ પાંચ લાખ લોકો મહામારીને લીધે મૃત્યુ પામ્યાં
વોશિંગ્ટન: અમેરિકામાં કોરોનાની મહામારીને કારણે પાંચ લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. રાષ્ટ્રપતિ બાઇડન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ કોરોનાથી પોતાનો જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ આપશે. દેશમાં કોવિડ-19ને કારણે પોતાનો જીવ ગુમાવનારા 5 લાખ લોકોને શ્રદ્ધાંજલિ રૂપે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન સોમવારે વ્હાઇટ હાઉસ ખાતે મીણબત્તી પ્રગટાવી એક મિનિટનું મૌન રાખશે.
રાષ્ટ્રપતિ બાઇડન શ્રદ્ધાંજલિ કાર્યક્રમને સંબોધશે
અમેરિકામાં કોરોના વાયરસના મૃત્યુના પ્રથમ કેસના લગભગ એક વર્ષ પછી, દેશમાં સોમવારે મૃતકોની સંખ્યા પાંચ લાખથી વધુ થવાની સંભાવના છે. વ્હાઇટ હાઉસે કહ્યું કે, બાઇડન કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવનારા લોકોની યાદમાં આયોજિત કાર્યક્રમને પણ સંબોધશે. તેમની સાથે પ્રથમ મહિલા જિલ બાઇડન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને તેના પતિ ડગ એમહોફ પણ ઉપસ્થિત રહશે.
102 વર્ષમાં આ પ્રથમ વખત બન્યું: નિષ્ણાત
જ્હોન હોપ્કિન્સ યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર, એક વર્ષમાં લગભગ પાંચ લાખ લોકો મહામારીને લીધે મૃત્યુ પામ્યા છે. મૃતકોની આ સંખ્યા કંસાસ સિટી, મિસૌરી અને એટલાન્ટા શહેરની વસ્તી સમાન છે. દેશના ટોચના સંક્રમિત રોગના નિષ્ણાંત ડો. એંથની ફૌચીએ જણાવ્યું હતું કે, 1918 માં ઈન્ફલ્યુએન્ઝાની મહામારી બાદ છેલ્લા 102 વર્ષોમાં એવું ક્યારેય બન્યું નથી. યુ.એસ.માં, 19 જાન્યુઆરીએ કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા ચાર લાખને વટાવી ગઈ હતી.