વોશિંગ્ટન : અમેરિકાના એટલાન્ટામાં એક પોલીસ અધિકારીએ એક અશ્વેત વ્યક્તિની ધરપકડ કરવાના પ્રયાસ દરમિયાન તેને ગોળી મારી હતી, જેના વિરોધમાં એટલાન્ટામાં વિરોધ-પ્રદર્શન શરૂ થઈ ગયાં હતા. એટલાન્ટામાં પોલીસ ચીફે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. એટલાન્ટામાં માર્યા ગયેલા શખ્સની ઓળખ રેશોર્ડ બ્રુક્સ તરીકે થઈ છે. માહીતી મુજબ 27 વર્ષીય રેશોર્ડ દારૂપીને વાહન ચલાવી રહ્યો હતો ત્યારે તેન ગોળી વાગી હતી.
અમેરિકામાં રંગભેદને લઇને હલચલ મચી છે. જ્યોર્જ ફ્લૉયડના મોત બાદ ફરી એકવાર અશ્વેત નાગરિક પોલીસના હાથે માર્યો ગયો. આ ઘટનાને પગલે જ્યાં રંગભેદ વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે તે ઘટનામાં બળતામાં ઘી હોમાયું હતું. અમેરિકામાં વધુ એક અશ્વેત વ્યક્તિનુ પોલીસની ગોળી વાગવાથી થયેલા મોતના પગલે અમેરિકામાં તણાવ વધી ગયો છે.
જ્યોર્જિયા બ્યૂરો ઓફ ઈનવેસ્ટિગેશન ડિરેક્ટર રેનોલ્ડ્સે જણાવ્યું હતું કે, સિક્યોરિટી કેમેરામાં જોઈ શકાય છે કે રેશોર્ડ બ્રૂક્સ એટલાન્ટા પોલીસથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેણે પોલીસ અધિકારીની લેઝર ગની પણ છીનવી લીધી હતી. ઝપાઝપી દરમિયાન પોલીસ અધિકારીએ તેના પર ફાયરિંગ કરી દીધું હતું.
આ ઘટના બાદ એટલાન્ટામાં વિરોધ પ્રદર્શન થવા માંડ્યા હતા. દેખાવકારોએ એક રેસ્ટોરન્ટને આગ ચાંપી દીધી હતી અને નજીકના રસ્તા પર ચક્કા જામ કરી દીધો હતો.
એટલાન્ટાના મેયર કીશા લાંસ બોટમ્સે કહ્યું છે કે, આ ઘટનાને લીધે પોલીસ અધિકારી એરિકા શીલ્ડ્સે રાજીનામુ આપી દીધુ છે.
મિનિયા પોલીસમાં તાજેતરમાં જ એક અશ્વેત વ્યક્તિ જ્યોર્જ ફ્લોઈડની પોલીસ કસ્ટડીમાં થયેલા મોતની ઘટના બાદ હિંસક દેખાવો થયા હતા ત્યારે વધુ એક અશ્વેતની મોતની ઘટનાથી તનાવ વધી ગયો છે.