ન્યુઝ ડેસ્ક: રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ (Russia and Ukraine clashed) વધી રહ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને આશંકા વ્યક્ત કરી છે કે, રશિયા ગમે ત્યારે યુક્રેન પર હુમલો કરી શકે છે. તેણે કહ્યું કે, રશિયા યુક્રેન પર હુમલો કરશે તે માનવા માટે તેની પાસે કારણ છે. જો કે, તેમણે એમ પણ કહ્યું કે, જો રશિયા શાંતિ માટે પહેલ કરે તો તેઓ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Russian President Vladimir Putin) સાથે વાત કરવા માટે પણ તૈયાર છે.
રશિયા અને યુક્રેનની સરહદ
દરમિયાન, એવા પણ અહેવાલો આવ્યા છે કે, રશિયાએ યુક્રેન પર હુમલો (Russia attacked on Ukraine) કરી દીધો છે. રશિયાએ યુક્રેનને ત્રણ બાજુથી ઘેરી લીધું છે અને લગભગ 1.50 લાખ સૈનિકો ઉપરાંત ભારે હથિયારો અને સાધનો તૈનાત છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલો તણાવ નવો નથી. લગભગ 30 વર્ષ પહેલા સુધી બંને દેશો એક જ હતા, પરંતુ આજે રશિયા અને યુક્રેનની સરહદની ગણતરી વિશ્વની સૌથી વધુ તંગ સરહદોમાં થાય છે.
પણ આ બધું કેવી રીતે બન્યું?
ઑગસ્ટ 1991 માં, યુક્રેને સોવિયત સંઘથી સ્વતંત્રતા જાહેર કરી. તે જ વર્ષે 1 ડિસેમ્બરે લોકમત યોજાયો હતો, જેમાં 90% યુક્રેનિયનોએ સોવિયેત સંઘ છોડવા માટે મત આપ્યો હતો. બીજા દિવસે રશિયાના તત્કાલિન રાષ્ટ્રપતિ બોરિસ યેલતસિને યુક્રેનને અલગ દેશ તરીકે માન્યતા આપી હતી. તે સમયે રશિયાએ પણ ક્રિમિયાને યુક્રેનનો ભાગ ગણાવ્યું હતું. 1954 માં, સોવિયત યુનિયનના સર્વોચ્ચ નેતા નિકિતા ખ્રુશ્ચેવે યુક્રેનને ક્રિમિયા ભેટ તરીકે આપ્યું.
રશિયા તરફી રાષ્ટ્રપતિ બન્યા બાદ યુક્રેનમાં વિરોધ પ્રદર્શન
વિક્ટર યાનુકોવિચે 2004માં યુક્રેનમાં રાષ્ટ્રપતિની ચૂંટણી (President election in Ukraine) જીતી હતી. યાનુકોવિચને રશિયાના સમર્થક માનવામાં આવે છે. તેમની જીત પછી, યુક્રેનમાં બળવો ફાટી નીકળ્યો. તેને ઓરેન્જ રિવોલ્યુશન નામ આપવામાં આવ્યું હતું. દેખાવકારો પુન:ગણતરીની માંગ કરી રહ્યા હતા. રશિયાએ આ પ્રદર્શનો પાછળ પશ્ચિમી દેશોનો હાથ હોવાનો દાવો કર્યો હતો.
નાટોમાં જોડાવાની યોજના
2008માં વિરોધ પક્ષના નેતા વિક્ટર યુશ્ચેન્કોએ યુક્રેન માટે નાટોમાં જોડાવાની યોજના રજૂ કરી. અમેરિકાએ તેને ટેકો આપ્યો, પરંતુ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તેનો વિરોધ કર્યો હતો. નાટોએ જ્યોર્જિયા અને યુક્રેનના સમાવેશની જાહેરાત કરી.રશિયાએ જ્યોર્જિયા પર હુમલો કર્યો અને 4 દિવસમાં તેના બે વિસ્તારો કબ્જે કરી લીધા.
યાનુકોવિચની પુનઃ ચૂંટણી સાથે પરિસ્થિતિ વધુ વણસી ગઈ
વિક્ટર યાનુકોવિચે ફરી એકવાર 2010ની રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી. તેમણે નાટોમાં જોડાવાની યુક્રેનની ઓફરને નકારી કાઢી હતી. નવેમ્બર 2013 માં, યાનુકોવિચે યુરોપિયન યુનિયન સાથેના કરાર પર હસ્તાક્ષર કરવાથી પીછેહઠ કરી. આ કરારથી યુક્રેનને 15 બિલિયન ડોલરનું આર્થિક પેકેજ મળવાનું હતું.
યાનુકોવિચને દેશ છોડીને ભાગી જવું પડ્યું
યાનુકોવિચના નિર્ણયનો વિરોધ કરવા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ફેબ્રુઆરી 2014માં રાજધાની કિવમાં ડઝનબંધ વિરોધીઓ માર્યા ગયા હતા. વિરોધ એટલો વધી ગયો કે 22 ફેબ્રુઆરી 2014ના રોજ યાનુકોવિચને દેશ છોડીને ભાગી જવું પડ્યું.
ક્રિમિયા પર આક્રમણ
યુરોપિયન યુનિયનના સમર્થકો યુક્રેનમાં સત્તામાં આવ્યા બાદ ક્રિમિયા પર આક્રમણ કરવામાં આવ્યું હતું. લશ્કરનો ગણવેશ પહેરેલા બળવાખોરોએ ક્રિમિયન સંસદ પર કબજો કર્યો. રશિયન પ્રમુખ પુતિને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો કે તેઓ રશિયન સૈનિકો હતા.
ક્રિમિયા રાતોરાત રશિયાનો ભાગ બન્યું
માર્ચ 2014 માં, ક્રિમિયામાં લોકમત યોજાયો હતો. જેમાં 97 ટકા લોકોએ રશિયા સાથે જોડાવાની તરફેણમાં મતદાન કર્યું હતું. રાતોરાત યુક્રેનના 25 હજારથી વધુ સૈનિકો અને તેમના પરિવારોને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ક્રિમિયા સત્તાવાર રીતે 18 માર્ચ 2014ના રોજ રશિયાનો ભાગ બન્યું. ક્રિમિયાના જોડાણ પછી પણ સંઘર્ષ ચાલુ રહ્યો. અલગતાવાદીઓએ યુક્રેનના ડોનબાસના બે વિસ્તારો ડોનેટ્સક અને લુહાન્સ્કમાં અલગ દેશ જાહેર કર્યો. Donetsk અને Luhansk હાલમાં બે અલગ અલગ દેશો છે.
પછી ઝેલેન્સકીની સત્તા આવી
2019ની ચૂંટણીમાં વોલોડીમીર ઝેલેન્સકી યુક્રેનના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. તેમણે ડોનબાસની જૂની સ્થિતિ પુનઃસ્થાપિત કરવાનું વચન આપ્યું હતું. ઝેલેન્સકીએ સત્તામાં આવતાની સાથે જ નાટોમાં જોડાવા માટેના પ્રયાસો તીવ્ર કર્યા. નવેમ્બર 2021માં સેટેલાઇટ ઇમેજથી જાણવા મળ્યું કે, રશિયાએ યુક્રેનની સરહદ નજીક સૈનિકો તૈનાત કરવાનું શરૂ કર્યું છે. રશિયા નથી ઈચ્છતું કે, યુક્રેન નાટોમાં જોડાય, કારણ કે રશિયાને લાગે છે કે, જો આવું થશે તો નાટોના સૈનિકો અને થાણા તેની સરહદની નજીક આવીને ઊભા થઈ જશે.
રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો
હાલમાં રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ નોંધપાત્ર રીતે વધી ગયો છે. અમેરિકા સહિત પશ્ચિમી દેશોએ આશંકા વ્યક્ત કરી હતી, અને બન્યુ પણ એવુ જ કે રશિયાએ યુક્રેન પર હુમલો કરી દીધો છે. અહેવાલો અનુસાર, રશિયાએ યુક્રેનની નજીક 1.5 લાખથી વધુ સૈનિકો અને હથિયારો તૈનાત રાખ્યા છે.