વોશિંગ્ટન: યુએનના સેક્રેટરી જનરલ એંતોનિયો ગુતારેસે ચેતવણી આપી હતી કે, કોરોના વાઇરસનો રોગચાળો આફ્રિકાના વિકાસ માટે ખતરો છે અને લાખો લોકોને ભારે ગરીબી તરફ ધકેલી શકે છે.
યુએન ચીફે 'આફ્રિકામાં કોવિડ-19ની અસર' પર નીતિ અહેવાલ બહાર પાડતા એક વીડિયો સંદેશમાં જણાવ્યું છે કે, આફ્રિકન દેશોએ આ કટોકટી પર ઝડપી પગલાં લીધાં છે. આ સંક્રમણથી આફ્રિકન ખંડમાં 2500 લોકોના મૃત્યું થઇ ગયા છે, પરંતુ સંક્રમણના કેસની સંખ્યા ઘણી ઓછી છે.
સંયુક્ત રાષ્ટ્રના 28-પેઇજના અહેવાલ મુજબ, વાઇરસ તમામ આફ્રિકન દેશોમાં ફેલાયો છે અને મોટા ભાગના દેશોમાં એક હજારથી પણ ઓછા કેસ નોંધાયા છે. રિપોર્ટ કહે છે કે, કોવિડ-19 ના અપેક્ષા કરતા પ્રમાણમાં ઓછા કેસોની પુષ્ટિ થઈ છે. આનાથી એવી આશા ઉભી થઈ છે કે આ રોગચાળાને કારણે આફ્રિકન દેશો ખરાબ પરિસ્થિતિમાં આવતા જતા બચી ગયા છે.
સંયુક્ત રાષ્ટ્રએ જણાવ્યું હતું કે, ઓછા ટેસ્ટ અને ઓછા ડેટા રેકોર્ડ હોવાના કારણે પણ ઓછા કેસ નોંધાયા હોઇ શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ ચેતવણી આપી છે કે, આ રોગચાળાના પ્રથમ વર્ષમાં આફ્રિકન દેશોમાં 83 હજારથી એક લાખ 90 હજાર લોકોના મોત થઈ શકે છે અને સરકારોના પ્રયાસોના આધારે આ સંખ્યા ઓછી થઈ શકે છે. WHOએ પણ ચેતવણી આપી છે કે, આ રોગચાળાની સામાજિક અને આર્થિક અસર ઘણાં વર્ષો સુધી રહેશે.