અમદાવાદ: તારીખ 5 સપ્ટેમ્બરના રોજ લક્ષ્મણ બારોટનું વહેલી સવારે અવસાન થયું છે. તેમણે જામનગરમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અવસાનથી સાહિત્ય અને ધર્મજગતમાંં શોકની લાગણી છવાઈ ગઈ છે. લક્ષ્મણ બારોટ ભજનો ગાવા માટે જાણીતા હતા. તેઓ માત્ર ગુજરાતમાં જ નહિં પરંતુ વિદેશમાં પણ જાણીતા હતા. લક્ષ્મણ બારોટના ગુરુ નારાયણ સ્વામી હતા.
લોકગાયક લક્ષ્મણ બારોટનું નિધન: લક્ષ્મણ બારોટનું અવસાન જામનગર ખાતે થયું હતું. લક્ષ્મણ બારોટ જન્મથી પ્રજ્ઞાચક્ષુ હતા, તેમ છતાં તેમની પાસે સંગીત ગાવાની અદભૂત કલા હતી. પોતાના મધુર સ્વરથી શ્રોતાઓને પ્રભાવિત કર્યા હતા. ઝઘડિયા તાલુકા ખાતે લક્ષ્મણ બારોટ અને તેમની પત્નિ દ્વારા સ્થાપિત આશ્રમ આવેલો છે. લોક ગાયક લક્ષ્મણ બારોટના અવસાનથી ભરુચ જિલ્લાના ઝઘડિયા તાલુકા ખાતે સ્થાપિત આશ્રમમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.
જાણો ક્યારે થશે અંતિમ સંસ્કાર: લક્ષ્મણ બારોટ નાના હતા ત્યારે આંખો ગુમાવી હતી. પોતાના મધુર અવાજથી તેમણે દેશ અને દુનિયામાં ચાહકોના દિલ જીતી લીધા હતા. તેમણે પોતાની પત્ની સહિત જામનગરમાં ભક્તિના સૂરે ચાહકોને પ્રભાવિત કર્યા હતા. લક્ષ્મણ બારોટે પત્ની સાથે એક અંતરિયાળ વિસ્તારમાં શ્રી શક્તિ ભજન પીઠાશ્રમ નામના આશ્રમની સ્થાપના કરી હતી. મળતી માહિતી મૂજબ ભરુચમાં આવતી કાલે તેમની અંતિમ વિધી કરવામાં આવશે.
લોકગાયક લક્ષ્મણના ભજનો: લક્ષ્મણ બારોટ ડાયરાઓ કરતા હતા અને ભજનો ગાઈ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરતા હતા. તેમના ભજનોમાં જઈએ તો, 'પાદર ની પનીહારી', 'એવા સાચા સંતોની માથે', 'હું માંગુ ને તુ આપી દે', 'શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ', 'વચન વિવેકી જે નર નારી', 'હું જગજાણી ગજદંબા', 'રુખડ ભવ તુ', 'વીણા દર્શન બાજી ઝંઝારી', 'જપલે હરી કા નામ', 'જગ જનની લક્ષ્મણ', 'આનંદ સંત ફકીર' સામેલ છે.