મુંબઈઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ દિવસોમાં અમેરિકાના પ્રવાસે છે. અહીં અમેરિકાના વ્હાઇટ હાઉસમાં સ્ટેટ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમેરિકી સંસદને પણ સંબોધન કરવામાં આવ્યું હતું. PM મોદીએ પોતાના સંબોધનમાં બંને દેશોના સંબંધોની સાથે-સાથે ફિલ્મોનો પણ ઉલ્લેખ કર્યો હતો. અહીં PMએ સાઉથ ફિલ્મ ઉદ્યોગના દિગ્ગજ નિર્દેશક SS રાજામૌલીની સુપરહિટ ફિલ્મ 'RRR'ના ઓસ્કાર વિજેતા ગીત 'નાટુ-નાટુ' અને સ્પાઈડરમેનનો ઉલ્લેખ કર્યો હતો.
અમેરિકામાં સ્ટેટ ડિનર: ઉલ્લેખનીય છે કે, સ્ટેટ ડિનર પહેલા PM મોદીએ અમેરિકી સંસદને સંબોધિત કરી હતી. PM મોદી તેમના સંબોધનમાં એવું કહેતા જોવા મળ્યા હતા કે, ભારતમાં બાળકો હેલોવીન પર સ્પાઈડર બનવાનો આનંદ માણે છે, જ્યારે અમેરિકામાં બાળકો ઓસ્કાર વિજેતા ગીત 'નાટુ નાટુ' પર ડાન્સ કરે છે. હવે US સંસદમાં PM મોદીના ગીત 'નાટુ નાટુ'નો ઉલ્લેખ સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે.
બે ઓસ્કાર જીત્યા: ચાલુ વર્ષે ઓસ્કાર એવોર્ડ સમારોહ 2023માં ફિલ્મ 'RRR'ના સુપરહિટ ગીત 'નાટુ નાટુ'એ શ્રેષ્ઠ ગીતની શ્રેણીમાં ઓસ્કાર જીતીને વિશ્વભરમાં ભારતીય સિનેમાનું નામ રોશન કર્યું હતું. આ દરમિયાન ગુનીત મોંગા અને કાર્તિકી ગોન્સાલ્વિસની ટૂંકી ડોક્યુમેન્ટ્રી 'ધ એલિફન્ટ વ્હિસ્પર્સ'ને પણ ઓસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ વર્ષ દરમિયાન ભારતને 2 ઓસ્કાર એવોર્ડ મળ્યા છે.
આંતરરાષ્ટ્રીય એવોર્ડ જીત્યા: આટલું જ નહીં, ઓસ્કાર સમારોહમાં ઓસ્કાર વિજેતા ગીત 'નાટુ નાટુ' પર પણ શાનદાર પરફોર્મન્સ જોવા મળ્યું હતું. આ વર્ષે દીપિકા પાદુકોણ ઓસ્કાર સમારોહ સાથે પ્રસ્તુતકર્તા તરીકે જોડાયેલી હતી. 'RRR' ફિલ્મે આ વર્ષે વિવિધ કેટેગરીમાં પાંચથી વધુ આંતરરાષ્ટ્રીય એવોર્ડ જીત્યા હતા.