હૈદરાબાદ: અક્ષય કુમારે ફિલ્મ 'OMG 2'થી અજાયબી બતાવી છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર મહાદેવના રોલમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ તારીખ 11 ઓગસ્ટે બોક્સ ઓફિસ પર હિટ થઈ હતી. ફિલ્મે બોક્સ ઓફિસ પર 100 કરોડ રુપિયાથી વધુનો બિઝનેસ કર્યો હતો. હવે અક્ષય કુમાર તેમની અપકમિંગ ફિલ્મ 'મિશન રાણીગંજ' માટે ચર્ચામાં છે. તાજેતરમાં જ આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં અક્ષય કુમાર એન્જીનિયર જસવંત સિંહ ગિલની ભૂમિકા ભજવવા જઈ રહ્યા છે. તે જ સમયે આજે 15 સપ્ટેમ્બર, 'એન્જીનિયર ડે' પર અક્ષય કુમારે એન્જિનિયર જસવંત સિંહ ગિલની એક તસવીર શેર કરીને ચાહકોને અભિનંદન આપ્યા છે. જસવંત સિંહે ખાણમાંથી 65 લોકોના જીવ બચાવ્યા હતા.
અક્ષય કુમારે એન્જીનિયર જસવંત સિંહ ગિલને યાદ કર્યા: આજે તારીખ 15મી સપ્ટેમ્બરે એન્જીનિયર ડેના અવસર પર અભિનેતા અક્ષય કુમારે એન્જીનિયર જસવંત સિંહ ગિલને યાદ કર્યા હતા અને ચાહકોને એન્જીનિયર ડેની શુભેચ્છા પાઠવી હતી. અભિનેતાએ લખ્યું છે કે, ''Happy EngineersDay. I could never even imagine myself studying hard to be an engineer. But then I got an opportunity to play a brave, intelligent engineer like Jaswant Singh Gill ji in MissionRaniganj. माँ बाप की इच्छा पूरी हो गई.'' આ પોસ્ટ સાથે અક્ષય કુમારે એન્જિનિયર જસવંત ગિલનો ફોટો પણ શેર કર્યો છે.
અભિનેતાની આગામી ફિલ્મ: અક્ષય કુમારની આગામી ફિલ્મ 'મિશન રાણીગંજ - ધ ગ્રેટ રેસ્ક્યૂ' સર્વાઈવલ થ્રિલર ફિલ્મ છે, જેમાં અક્ષય કુમાર આ મિશનના હીરો એન્જીનિયર જસવંત ગિલની ભૂમિકા ભજવતો જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન ટીનુ સુરેશ દેસાઈએ કર્યું છે. પૂજા એન્ટરટેઈનમેન્ટ દ્વારા નિર્મિત અને ફિલ્મની સ્ટોરી વિપુલ કે રાવલે લખી છે. ફિલ્મની સ્ટોરી પશ્ચિમ બંગાળના રાણીગંજમાં સ્થિત કોલફિલ્ડના પતન પર આધારિત છે, જેમાં જસવંતે પોતાનો જીવ જોખમમાં મૂકીને કેટલાક ફૂટ ભુગર્ભમાં ફસાયેલા મજૂરોના જીવ બચાવ્યા હતા. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે પરિણીતી ચોપરા જોવા મળશે. આ ફિલ્મ તારીખ 6 ઓક્ટોમ્બરે રિલીઝ થઈ રહી છે. અક્ષય અને પરિણીતીની જોડી આ પહેલા ફિલ્મ કેસરીમાં પણ જોવા મળી હતી.