જોધપુર: ફિલ્મ અભિનેતા અને લોકસભા સાંસદ સની દેઓલે બુધવારે પશ્ચિમ સરહદે આવેલા તનોટ રાય માતાના મંદિરની મુલાકાત લીધી હતી. ત્યાં તેમણે BSF જવાનો સાથે વાતચિત કરી હતી અને તેમની ફિલ્મના ગીતો પર ડાન્સ કર્યો હતો. જવાનો સાથે ઘણા સમય સુધી રોકાયા બાદ લોંગેવાલા જવા માટે રવાના થયા હતા. ત્યાં તેમણે લોંગેવાલા વોર મેમોરિયલ જોયું હતું અને BSF જવાનોને મળ્યા હતા.
તનોટ રાય માતાના મંદિરની મુલાકાત: BSFના DIG યોગેન્દ્ર સિંહ રાઠોડે જણાવ્યું હતું કે, 'સની દેઓલે તનોટમાં વિજય સ્તંભ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યાર બાદ તેમણે તનોટ રાય માતાના મંદિરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે આરતીમાં પણ ભાગ લીધો હતો. તેમને તનોટ માતાના મંદિરની તસવીર પણ આપવામાં આવી હતી. પ્રાદેશિક મુખ્યાલય જેસલમેર દ્વારા આયોજિત સાસ્કૃતિક પ્રોગ્રામમાં અને સહરદની મુલાકાત લીધી હતી. ત્યાં તૈનાત સૈનિકોને પ્રોત્સાહિત કર્યા હતા. ત્યાર બાદ લોંગેવાલ જવા માટે રવાના થયા હતા. ત્યાં તેમણે એક પ્રોગ્રામમાં હાજરી આપી હતી.
ઐતિહાસિક સ્થળની મુલાકાત: સની દેઓલ બુધવારે મુંબઈથી જોધપુર આવ્યા હતા. ત્યાર બાદ અહિંથી તેઓ હેલિકોપ્ટર દ્વારા તનોટ ગયા હતા. સની દેઓલે લોંગેવાલા સ્મારક પર મુકેલી પાકિસ્તાની ટેન્ક સાથે તસવીર પડાવી હતી. પોતાના સોશિયલ મીડિયા પર શેર કરીને લખ્યું હતું કે, 'બ્રિગેડિયર કુલદીપ સિંહ ચાંદપુરી અને લોંગેવાલાની લડાઈ જીતીને ઈતિહાસ લખનારા તમામ બહાદુર શહિદોને યાદ કરુ છું. આવા ઐતિહાસિક સ્થળ પર પોતાના બહાદુરોની સાથે રહીને અને પ્રેમ વહેંચવું હંમેશા જરબદસ્ત અનુભવ રહ્યો છે.'
ઐતિહાસિક લડાઈ: પાકિસ્તાને ડિસેમ્બર 1971માં થાર રણમાં લોંગેવાલા પોસ્ટ પર તેમની ટેન્ક બટાલિયન સાથે હુમલો કર્યો હતો. તે સમયે ભારતીય ચોકી પર માત્ર 120 સૈનિકો હતા. જેની કમાન મેજર કુલદીપ સિંહ ચાંદપુરી પાસે હતી. રાત્રિના હુમલામાં ભારતીય જવાનોએ અદમ્ય હિંમત દાખવી હતી. બે હજાર પાકિસ્તાની સેના સાથે આખી રાત સુધી લડાઈ લડી હતી. આ લડાઈમાં અનેક જવાનો શહિદ થયા હતા. સવારે ભારતીય વાયુસેનાએ ચાર્જ સંભાળ્યો હતો અને પાકિસ્તાની ટેન્કનો નાશ કર્યો હતો. વર્ષ 1997માં આવેલી ફિલ્મ બોર્ડર આ યુદ્ધ પર આધારિત હતી. જેમાં સની દેઓલે મેજર ચાંદપુરીની ભૂમિકા ભજવી હતી.